ગુજરાત

gujarat

ETV Bharat / state

શા માટે નલિયાને કહેવાય છે ગુજરાતનું કાશ્મીર? આ રહ્યું મોટું કારણ - Desert in Nalia

ગુજરાત રાજ્યમાં કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાતું આવ્યું છે. ચાલુ શિયાળાની સીઝનમાં પણ નલિયામાં સિંગલ ડિજિટમાં તાપમાન રહ્યું છે. ઉપરાંત ગુજરાતમાં કાતિલ ઠંડીના ઈતિહાસમાં નલિયાનું નામ મોખરે છે. ત્યારે જાણો કચ્છી કાશ્મીર નલિયાની હાડ થીજવતી ઠંડીનું કારણ શું ?

કચ્છી કાશ્મીર નલિયા
કચ્છી કાશ્મીર નલિયા

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 5:22 PM IST

હાડ થીજવતી ઠંડીનું કારણ શું ?

કચ્છ :કચ્છ જિલ્લામાં દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીનું જોર વધતું જઈ રહ્યું છે. કચ્છભરમાં વહેલી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડી રહ્યો છે અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં જોવા મળી રહ્યું છે. કચ્છી કાશ્મીર તરીકે ઓળખાતા એવા નલિયામાં પારો 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન હોવા પાછળના મુખ્ય કારણ શું ?, જુઓ ETV BHARAT નો આ વિશેષ અહેવાલ

કચ્છી કાશ્મીર-નલિયા :છેલ્લા થોડા દિવસોથી જિલ્લાના વાતાવરણમાં જોવા મળી રહેલા પરિવર્તનના કારણે લઘુતમ પારામાં ઉતાર-ચઢાવ વચ્ચે ઠંડી ધીરે ધીરે પગ પેસારો કરી રહી છે. રાજ્યના સૌથી ઠંડા મથકોમાં કચ્છનું નલિયા પહેલા નંબરે છે. નલિયામાં છેલ્લા કેટલાક સમયથી 8 થી 10 ડિગ્રી વચ્ચે પારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે ઠંડીને લઈને કોઈ ચેતવણી જારી કરી નથી, પરંતુ ઠંડીનો આ માહોલ જળવાઈ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

નલિયામાં ઠંડીનું જોર વધ્યું : નલિયામાં ઠંડીના પગલે લોકો મોડી સાંજથી વહેલી સવાર સુધી ગરમ વસ્ત્રો પહેરતા જોવા મળી રહ્યા છે. ઠંડો પવન પણ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે, તેથી દિવસના સમયમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે તાપણી કરતાં પણ જોવા મળ્યા હતા. તો રાત્રી દરમિયાન લોકો ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.

હાડ થીજવતી ઠંડીનું કારણ શું ?નલિયામાં નોંધાતા સૌથી ઓછા તાપમાન અંગે ETV Bharat સાથે વાતચીત કરતાં હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવે તો નલિયા ખુલ્લો વિસ્તાર છે. જેના લીધે ઠંડા પવનો રોકવા માટે કોઈ રુકાવટ નથી રહેતી. આ ઉપરાંત વેજીટેશન પણ ખૂબ ઓછું રહે છે. નલિયામાં દરિયા કિનારાનો વિસ્તાર વધુ છે, જેથી રેતીનું પ્રમાણ પણ વધુ છે. ઉલ્લેખનિય છે કે, રેતી ઠંડીને વધુ પ્રમાણમાં શોષે છે જેના કારણે તે આસપાસની હવાને પણ ઠંડી કરે છે.

નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ :નલિયામાં હાલના દિવસોમાં લઘુતમ તાપમાન 8-10 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે. દર વર્ષે જેવી રીતે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ નલિયા રહેતું હોય છે, તેમ આ વર્ષે પણ એવું જ દેખાઈ રહ્યું છે. વિસ્તારમાં લોકેશન, વેજીટેશન, જમીન વગેરેની પરિસ્થિતિ કેવી છે તેના તાપમાન આધારિત રહેતું હોય છે. નલિયાની આજુબાજુ રેતાળ જમીન છે, ઉપરાંત દરિયાકાંઠાનો પ્રદેશ હોવાથી તાપમાન નીચું જતું હોય છે. નલિયામાં રણપ્રદેશ અને નીચાણવાળા વિસ્તારોને લીધે ઠંડીનું પ્રમાણ વધારે છે. તો ઠંડા પવનને રોકી શકે તેવું કોઈ કુદરતી કવચ નલિયા પાસે નથી. ઉપરાંત રાત્રિ દરમિયાન ઠંડા પવનને કારણે રણની રેતી ઠંડી થઈ જાય છે.

કાતિલ ઠંડીનો ઈતિહાસ : રાજ્યના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી નલીયાના નામે જ નોંધાયેલ છે. નલિયાનું લઘુતમ તાપમાન 1964 માં 0.6 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ વર્ષ 2012 માં 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે ત્યારબાદ ક્યારેય પણ નલિયાનું લઘુતમ તાપમાન તેનાથી નીચું ગયું નથી. કચ્છમાં રણ વિસ્તાર અને ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો સીધા કચ્છ સુધી પહોંચી રહ્યા છે અને આ ઠંડા પવનોને રોકી શકે તેવી કોઈ પર્વતમાળા કચ્છમાં જોવા મળતી નથી.

  1. પશ્ચિમ બંગાળમાં કચ્છનો ચિત્રકાર છવાયો, કચ્છ પ્રદેશની ચિત્રકૃતિ જોઈ આંતરરાષ્ટ્રીય કલાકારો ઘેલા થયા
  2. એશિયા કપ 2023ની અન્ડર-19 ટીમમાં કચ્છના યુવા ક્રિકેટર રાજ લીંબાણીનો સમાવેશ

ABOUT THE AUTHOR

...view details