કચ્છ :માધાપરના યુવક દિલીપ આહીરનો હનીટ્રેપ કેસ ચર્ચાસ્પદ બન્યો હતો. આ ષડયંત્ર ભુજની પાલારા જેલમાં બેસીને મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ મનીષા ગોસ્વામીએ રચ્યું હતુ. ત્યારે પશ્ચિમ કચ્છ LCB દ્વારા ગત રાત્રીએ કેસની તપાસકર્તા ટીમના ઇનપુટના આધારે પાલારા જેલમાં મહિલા યાર્ડમાં સરપ્રાઈઝ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં એક મોબાઈલ અને ચાર્જર તેમજ બે સિમ મળી આવ્યા હતા. જેનાથી હનીટ્રેપ કેસ સંબંધિત કડીઓ ખૂલવાની આશા બંધાઈ છે.
સહ આરોપી રિદ્ધિ : આ હનીટ્રેપ કેસમાં સંડોવાયેલા આરોપી સ્નેહલ ઉર્ફે વિધિ ઉર્ફે રિદ્ધિ વસાવાના બે દિવસના રિમાન્ડ મળ્યા હતા. આ દરમિયાન મહત્ત્વની વિગતો અને પુરાવા LCB ને હાથ લાગ્યા છે. રિદ્ધિના રિમાન્ડ પૂર્ણ થતાં તેને LCBએ કોર્ટમાં રજૂ કરી હતી. તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ગળપાદર જેલમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ષડયંત્ર રચી માધાપરના યુવાનને હનીટ્રેપમાં ફસાવી 4 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આમ યુવકને મરવા મજબૂર કરવાનો કેસ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. આ કેસમાં તપાસકર્તા LCB ટીમને પાલારા જેલના મહિલા યાર્ડમાંથી એક મોબાઇલ અને એક ચાર્જર તથા બે સિમ હાથ લાગ્યા છે. તેને લઈને ફરિયાદ સહિતની કાર્યવાહી ચાલુ છે.--સંદીપસિંહ ચુડાસમા (PI, પશ્ચિમ કચ્છ LCB)
કેસના કનેક્શન : હનીટ્રેપ કેસની સહ આરોપી રિદ્ધિ વસાવાની વડોદરાથી અટકાયત કર્યા બાદ બે દિવસના રિમાન્ડમાં હતી. તેની પાસેથી આ કેસને લઇને અનેક પુરાવા મળી આવ્યા છે. આ કેસના કનેક્શન કચ્છ બહાર પણ ફેલાયેલા છે. જે અર્થે વધુ તપાસ માટે રિદ્ધિને કચ્છ બહાર લઇ જવાઇ હતી. ત્યાંથી પણ કેસ સંબંધિત પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.
અગાઉ મળ્યા હતા મોબાઈલ :ઉલ્લેખનીય છે કે, આ હનીટ્રેપ કેસને લઈને પાલારા જેલમાંથી અગાઉ 11 તારીખના પણ LCB ટીમને ત્રણ મોબાઈલ અને ત્રણ ચાર્જર મળ્યા હતા. તો ગત રાત્રીએ ફરી એક મોબાઈલ, એક ચાર્જર અને બે સીમ મળ્યા છે. ચકચારી હનીટ્રેપ કેસમાં આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની સંભાવના રહેલી છે.
- Kutch Crime : દિલીપ આહીર આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા, આરોપીએ જેલમાં બેસીને રચ્યું કાવતરૂં, જૂઓ સમગ્ર મામલો
- Kutch: હાઈ પ્રોફાઈલ હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી રમેશ જોશીની મુંબઈથી કરાઈ ધરપકડ