કચ્છ :એશિયાનું સર્વશ્રેષ્ઠ માનતા બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારના ધ્રોબાણા ગામ ધુનારા વાંઢમાં છેલ્લાં 40 વર્ષોથી પાણી અને વીજળીની સમસ્યા છે. ગામની દીકરીઓ અને મહિલાઓ બેડાઓ લઈને દૂરદૂર સુધી પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. બન્ની વિસ્તારની આ ધુનારા વાંઢમાં હાલત બહુ ખરાબ છે અને લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાણી માટે લોકોને ઊંટ પર 40 લીટરના પાણીના કેરબા લાદીને પાસેના ગામની વાડીમાં બનાવવામાં આવેલ વીરડી મારફતે પાણી ભરવું પડી રહ્યું છે.
પાણી માટે ભારે સંધર્ષ :ઉનાળાની શરૂઆત સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. જેમાં ભુજનો બન્ની પંથ પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. ત્યારે આસપાસના ગામમાં અત્યારથી જ પાણીની મુશ્કેલી સર્જાઈ છે. ધુનારા વાંઢના લોકો ચાલીસ વર્ષથી પાણી માટે ભારે સંધર્ષ કરી રહ્યાં છે. ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે, અનેક વખત અરજીઓ આપીને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ હજી સુધી કોઈ ચોક્કસ પગલાં નથી લેવાયા.
ઊંટ પર કેરબા લાદીને પાણી મેળવે :ધુનારા વાંઢના સ્થાનિક મોડજી સમાંએ જણાવ્યું હતું કે, ગામમાં 40 વર્ષથી પાણીની સમસ્યા છે અને તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પણ તંત્ર દ્વારા કોઈ પણ રીતનો જવાબ પણ આપવામાં નથી આવી રહ્યો. સાથે જ કોઈ ચોક્કસ પગલાં પણ નથી લેવામાં આવી રહ્યા. ગામની મહિલાઓ અહીં વાડીમાં બનાવવામાં આવેલી વીરડીમાંથી પીવાના, નહાવાના, કપડાં ધોવા માટે પાણી અહીંથી લઇ જતી હોય છે. કોઈ વ્યક્તિ પાસે ઊંટ હોય તો ઊંટ પર 20-20 લીટરના કેરબા લાદીને પાણી લઈ જવામાં આવી રહ્યું છે.