ભૂજ ખાતે જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક, 40 યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજુરી
ભુજ ખાતે સોમવારના રોજ કલેક્ટર પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતામાં જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 40 યોજનાઓના રૂપિયા 292.73 લાખોના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
કચ્છઃ જિલ્લામાં સોમવારના રોજ ભૂજ ખાતે કલેક્ટર પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતામાં જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ 40 યોજનાઓના રૂપિયા 292.73 લાખોના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. આ યોજનાના અમલીકરણથી 1702 જેટલા ઘરે નળ કનેક્શનની સંખ્યામાં વધારો થશે. જેમાં 76 ટકા એકત્રિત લોકફાળાની રકમ રૂપિયા 223.48 લાખ પાણી સમિતિ દ્વારા ભરવામાં આવી છે. જિલ્લામાં કુલ ઘર પૈકી નળ જોડાણ ધરાવતા 16,265 ઘરોમાં ટૂક સમયમાં કામગીરી પૂર્ણ કરાશે.
કલેકટર પ્રવિણા ડી. કે એ નળ જોડાણના ધરાવતા ઘરો, આંગણવાડી અને શાળાઓમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા અને નક્કર કામગીરીથી ચોકકસ પરિણામ આપવા તેમણે જણાવ્યું હતું. ‘વાસ્મો’ ભુજના યુનિટ મેનેજર સહ કાર્યપાલક ઈજનેર ડી.સી.કટારિયાએ જિલ્લાની સમગ્ર વિગતોથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં વિવિધ સરકારી કે, અન્ય ગ્રાંટમાંથી 37 જેટલા ગામોમાં 100 ટકા નળ કનેક્શનમાં વધારો થયો છે.
જિલ્લાના 964 ગામો પૈકી 786 ગામો 100 ટકા નળ જોડાણ ધરાવે છે. જ્યારે 181 ગામોમાં 100 નળ જોડાણ કામ બાકી છે. વાસ્મો સંસ્થાએ 225 ગામ બાકી રહેતા આ કામગીરી કરવાની છે. જયારે બન્ને વિસ્તારમાં નળ પાણી માટે કલસ્ટર સ્ટોરેજની કામગીરી પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવાની છે.
આ બેઠકમાં સર્વ ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે.જોશી, આઇસીડીએસ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઈરાબેન ચૌહાણ, પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર એ.પી.તિવારી, અંજાર-ભુજના કાર્યપાલક ઈજનેર એચ.શાહ, નખત્રાણા કચ્છના કાર્યપાલક ઈજનેર એન.પટેલ, નાયબ જિ.પ્રા.શિક્ષણાધિકારી એન.ગોર, શિક્ષણ નિરીક્ષક ભૂપેન્દ્રસિંહ વાઘેલા, વીઆરટીઆઇ માંડવીના પ્રકાશ જોશી, પશ્ચિમ એ.ટી.સી-ભુજ ગીરીશભાઇ, વાસ્મો જિલ્લા કો-ઓર્ડિનેટર ડિમ્પલ શાહ, વાસ્મો મેનેજર એડમીન હાર્દિક ધોળકીયા, ટેકનો આસી.મુળજીભાઇ ગઢવી, માહિતી કચેરી, ભુજના એચ.પારેખ ઉપસ્થિત રહ્યા હતા.