ભૂજ તાલુકાના બળદીયા મુકામે વચનામૃત દ્વિશતાબ્દી અને અબજીબાપા શતામૃત મહોત્સવ પ્રસંગે કચ્છની એક દિવસની મૂલાકાતે આવેલા રાજયના મુખ્યપ્રધાને સ્મૃતિવન પ્રોજેકટ, નર્મદા કચ્છ બ્રાંચ કેનાલ, ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટ, ભુજોડી બ્રીજ ડેવલપમેન્ટ અને શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ પાસેથી કામોની પ્રગતિ બાબતે સમીક્ષા હાથ ધરી પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભુજીયા ડુંગર સ્થિત સ્મૃતિવન પ્રોજેકટની સમીક્ષામાં રૂપિયા ૧૧૦.૨૫ કરોડનો ખર્ચ સાથે ૭ કામો પ્રગતિ હેઠળ અને ૬ કામો પૂર્ણ થયાં હોવાનું જણાવ્યું હતું. મુખ્યપ્રધાન રૂપાણીએ વધુ મેનપાવર સાથે પ્રોજેકટના કામમાં ઝડપ લાવવા નિર્દેશ આપી સુનિશ્ચિત સમયમાં કામ પૂર્ણ થવું જોઇએ તે બાબતે મીકેનીઝમ ગોઠવવા આદેશ કર્યા હતાં. આ ઉપરાંત ભુજીયાની તળેટીમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા ઉપર તેમજ ડ્રીપ ઇરીગેશનથી વૃક્ષોનો ઉછેર થાય છે કે, કેમ તેની પણ પૃચ્છા કરી હતી. પ્રોજેકટ સ્થિત સોલાર પ્લાન્ટ અને તેના મેન્ટેનન્સ અંગે પણ ચકાસણી કરી હતી.
કચ્છ બ્રાંચ કેનાલના કામો તેમજ મોડકુબા સુધી નર્મદા કેનાલના કામોની પ્રગતિની સમીક્ષા કરતા મુખ્યપ્રધાને સંપાદનના ૧૭ કેસોનો ત્વરિત નિકાલ સંદર્ભે ખેડૂતોની સંમિત મેળવવા માટે રાજયપ્રધાન વાસણભાઈ આહિર અને માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને જવાબદારી સંભાળવા સાથે કચ્છના હિતમાં ખેડૂતોને સમજાવી સંમતિ સાધવા અને ગાંધીનગર જરૂર પડે બેઠક કરવા જણાવ્યું હતું.
ઉપરાંત કચ્છને ઘાસચારા ક્ષેત્રે સ્વાવલંબી બનાવવાની યોજના અંગે વન વિભાગની કામગીરીની પણ વિગતો મેળવી આ ક્ષેત્રે નકકર કામ કરવા ખાસ ભાર મૂકયો હતો. આ ઉપરાંત ઘાસ સંગ્રહ માટેના ગોડાઉન ઊભાં કરવાના કામોની પણ સમીક્ષા કરી હતી. બન્ની વિસ્તારમાં ઘાસ-વાવેતર અંગે પણ તેમણે ઊંડો રસ લઇ પડતર જમીનમાં ઘાસ ઉગાડવા પ્લોટ નકકી કરી જરૂર પડે એક્ષપર્ટને સાથે રાખી સમગ્ર કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
ખાસ કરીને ભુજ નજીકના ભુજોડી ઓવરબ્રીજના કામને લઇને થતાં વિલંબ બાબતે પણ તેમણે નારાજગી વ્યકત કરી અધિકારીઓને કામમાં ગતિ લાવવા અને બ્રીજનાં કામમાં રહેલી રૂકાવટો માટે અધિકારીઓને જે કાંઇ મુશ્કેલી હોય તેના નિવારણ માટે બે દિવસ ગાંધીનગરમાં બેઠક કરી મંજૂરી લઇને હવે ઝડપભેર કામ પૂર્ણ કરવા ઉપર વિશેષ ભાર મૂકયો હતો. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ભારતનું એક માત્ર ક્રાંતિગુરૂના સ્મારકને વધુ ડેવલપ કરવા જે કાંઇ કરવું પડે તે ક્રાંતિના સંદર્ભ નમૂનારૂપ આદર્શ સ્થળ બનાવવા પણ દિશા નિર્દેશ આપ્યો હતો.
પ્રધાન વાસણભાઈ આહિર, ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ-ભાજપના પૂર્વાધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ.નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, કચ્છ આઇ.જી.સુભાષ ત્રિવેદી, પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયા, પૂર્વ વિભાગના પોલીસ વડા પરિક્ષિતા રાઠોડ, ડીઆરડીએ નિયામક એમ.કે.જોષી, નર્મદા વિભાગના શ્રીનિવાસન, સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.