કચ્છ : હાલ શ્રાવણ માસ ચાલુ છે અને શહેરના શિવાલયોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે, ત્યારે ભુજથી 18 કિલોમીટર દૂર માનકુવા ખાતે સ્વયંભૂ પ્રગટ થયેલા વિચેશ્વર મહાદેવના (Vicheswara Mahadev) શિવલિંગના દર્શનાર્થે શ્રાવણ માસમાં (Shravan 2022) ભક્તિનો માહોલ જામે છે. અહીં આવતા તમામ શિવ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી વહેલી સવારથી જ આ મંદિર ગૂંજી ઉઠે છે.
પવિત્ર પ્રસાદીનું સ્થળ -પ્રભુની પ્રેમ પ્રસાદી એવું આ વિચેશ્વર તળાવએ સ્વામિનારાયણ ભગવાનનું (Lord Swaminarayan) પવિત્ર પ્રસાદીનું સ્થળ છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન વિચરણ દરમિયાન એક વખત માનકુવા ગામમાં વિચરણ (Swaminarayan Bhagwan in Mankuwa village) માટે પધાર્યા હતા. તે સમયે ભગવાન તેના ભકતજનો સાથે આ તળાવમાં સ્નાન કરવા માટે વહેલી પરોઢે નીકળી પડતા અને વિચરણ કરતા. આમ, આ સ્થળ પર સ્વામિનારાયણ ભગવાન વિચરણ કર્યું હોવાથી તે સ્થળનું નામ વિચેશ્વર રાખવામાં આવ્યું છે.
સ્વયંભૂ મહાદેવજીની સાક્ષાત -સ્વામિનારાયણ ભગવાન માનકુવા ગામને પોતાનું ચિર સંભારણું આપતા ગયા છે. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય માટે અને હરિભક્તો માટે તે એક પવિત્ર તીર્થ સ્થળ બની ગયું છે. જે માનકુવા ગામની ઉત્તરમાં આવેલું છે. જ્યાં સુંદર રમ્ય વાતાવરણ આપણા મનને પવિત્રતાની સાથે શાંતિ પણ બક્ષે છે. અહીં એક વિશાળ તળાવ આવેલું છે. જેમાં હજારોની સંખ્યામાં કમળના ફૂલ ઉગે છે અને આ તળાવના કિનારે મહાદેવજીનું એક મંદિર છે. અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગ છે. અહીં બેઠેલા સ્વયંભૂ મહાદેવજીની સાક્ષાત સ્વામિનારાયણ ભગવાને પુજા અર્ચના કરેલ છે. આ સ્થળ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું સ્થળ ગણાય છે. સ્વયંભૂ પ્રગટ થયેલા વિશેશ્વર મહાદેવના હરિભક્તો ભાવથી દર્શન કરી આનંદ માણે છે.