કચ્છ :ઐતિહાસિક શહેર અંજાર ખાતે આકાર પામેલા શાકભાજી માર્કેટયાર્ડનું લોકાર્પણ (Anjar Vegetable Market Yard) કરવામાં આવ્યું હતું. સહકાર વિભાગના પ્રધાન જગદીશ પંચાલના હસ્તે માર્કેટ યાર્ડના શેડ હોલનું નામ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી તરીકે રાખવામાં આવ્યું. 10.5 એકરમાં અને 40 કરોડના ખર્ચે આકાર પામેલા નવા વેજીટેબલ એન્ડ ફ્રુટ માર્કેટયાર્ડ સંકુલનો લાભ સ્થાનિક વેપારીઓની સાથે સાથે સમગ્ર ગુજરાતના જથ્થાબંધ વેપારીઓ પણ લાભ લઇ શકશે. જે કચ્છ માટે ઐતિહાસિક બની રહેશે.
અત્યાધુનિક ફળ-શાકભાજી માર્કેટ યાર્ડની વિશેષતા -આ અત્યાધુનિક ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં (Market Yard in Gujarat) અંજાર સહિતના અન્ય વિસ્તારમાંથી શાકભાજી, ફળફળાદી વગેરેની મોટા પ્રમાણમાં આવક થશે. આ માર્કેટ યાર્ડનો સીધો જ લાભ ખેડૂતોને મળશે. સબ માર્કેટ યાર્ડમાં ફરતી પાકી બાઉન્ડ્રી, મીઠા પાણીનો બોર, 200 દુકાનો અને ગોડાઉનો, અદ્યતન 25000 સ્કે. ફૂટનો વિશાળ ઓક્શન શેડ, પાર્કિંગ માટે આધુનિક બેઝમેન્ટ, સી.સી.રોડ, સોલાર લાઈટ્સ, CCTV કેમેરા, ટોયલેટ બ્લોક, કેન્ટિન, અદ્યતન વિશાળ મેઈન ગેટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
રાજ્ય પ્રધાનના હસ્તે 1.50 કરોડનો ચેક - આ અદ્યતન સબ માર્કેટયાર્ડનું નિર્માણ કુલ 40 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર તરફથી 5.67 કરોડની સહાય આપવામાં આવી છે. રાજ્યપ્રધાન જગદીશ પંચાલના હસ્તે 1.50 કરોડનો ચેક બજાર સમિતિને આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત અદ્યતન શાકભાજી સબ માર્કેટયાર્ડ વેપારીઓની સાથે ખેડૂતોને પણ વધુ ફળદાયી બની જશે. અહીંના સંકુલ ખાતે નવા 25 હજાર સ્ક્વેર ફૂટના સેડથી જૂની શાકમાર્કેટમાં થતી ટ્રાફિકજામની સમસ્યાથી હવે છુટકારો મળશે જેનો સીધો ફાયદો વેપારીઓ અને ખેડૂતોને સમય અને શક્તિના બચાવ થકી થશે. જિલ્લાની સૌથી મોટી જથ્થાબંધ શાકમાર્કેટ ધરાવતી અંજાર માર્કેટ હવે વિકાસનો નવો આયામ બની રહેશે.
વેપારીઓ અને ખેડૂતોને ફાયદો -નવ નિર્મિત માર્કેટયાર્ડથી સમગ્ર કચ્છની સાથે ગુજરાતના વેપારીઓ પણ હોલસેલ ભાવે માલ ખરીદી કરી શકશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને પણ સારા ભાવ મળવાથી થશે. આ માટે લાભકર્તાઓની સવલત માટે અહીં 100 સ્ક્વેર ફુટનો નવો સેડ બનાવવામાં આવ્યો છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મળશે અને મોટા વાહનો સીધા સેડ પર આવી જવાથી તેમાનો માલ નાના વાહનોમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સરળ બનશે. તમામ કામગીરી પર નજર રાખવા સંકુલની ચારે તરફ CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. તેવી જ રીતે પાણી માટે ખાસ બોર બનાવવામાં આવ્યો છે. વિશાળ સંકુલના કારણે વાહન ધારકોને અલાયદી પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ બની રહેશે.