કચ્છઃઅંજાર તાલુકાના જુની દૂધઈના વેપારી સાથે વર્ષ 2020માં હાથના મોજાં ખરીદીના નામે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. વેપારી સાથે મુંબઈની પેઢીના જવાબદાર વ્યક્તિ બનીને આરોપીએ ફોન કર્યો હતો. ત્યારબાદ બેન્કની માહિતી મેળવી 4 લાખ નંગ હાથના મોજાં લેવાનો સોદો કરી તેના પેટે 8,96,000 રૂપિયા લઈ ઓનલાઈન છેતરપિંડી કરી હતી. જોકે, હજી સુધી આ કેસનો નીવેડો આવ્યો નથી. હિતેન્દ્ર અંબાવીભાઈ હાથિયાણી નામના યુવક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તેમણે આજે (શુક્રવારે) પ્રેસ કોન્ફરન્સ મારફતે સમગ્ર બાબત મીડિયા સમક્ષ મૂકી હતી.
આ પણ વાંચોAhmedabad Crime : વિઝા પરમીટના આધારે ઠગાઈ આચરનાર ગેંગના બે આરોપી સુરતથી ઝડપાયા
દૂધઈ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદઃછેતરપિંડીનો ભોગ બનનારા હિતેન્દ્રભાઈએ દુધઈ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની સાથે ઓનલાઈન છેતરપિંડીની ઘટના 20 જુલાઈ 2020ના દિવસે બપોરે 12થી 3 વાગ્યાની વચ્ચે થઈ હતી. વેપારી પોતે ચેન્નઈ ખાતે વેપાર કરી રહ્યા છે, પરંતુ લૉકડાઉનના કારણે દુધઈથી બેસીને કામકાજ હેન્ડલ કરે છે. તેમના ફોન પર અરૂણભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પોતે મુંબઈના મલાડ સ્થિત શેફ હેલ્પ એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી બોલી રહ્યા હોવાનું તેમજ હાથના મોજા અંગે ડીલ કરવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ ભાવ તાલ કર્યા બાદ તેને મોજાના 4 લાખ પીસનો ઓર્ડર કર્યો હતો.
8.96 લાખની રકમ ચૂકવાઇ પરંતુ માલ ન આવ્યોઃઆરોપી અરૂણભાઈએ બીલની રકમ એડવાન્સમાં ચૂકવવાની વાત કરતા ફરિયાદીએ તેના બેન્કના એકાઉન્ટની માહિતી મેળવી તેના પર 8,96,000 રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું, પરંતુ બેન્કમાંથી કપાયેલ રકમ પરત આવતા બેન્કને કોલને કરીને પૂછ્યું હતું. ત્યારે ટેક્નિકલ કારણોસર રકમ પરત આવી હોવાની જાણવા મળ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ ટુકડે-ટુકડે 3 લાખ, 3 લાખ અને 2.96 લાખ આરટીજીએસ કરી રકમ મોકલી આપી હતી. ત્યારે આરોપીએ જણાવ્યું હતું કે, તમારો માલ સાંજના નિકળી જશે અને આવતીકાલે ચેન્નઈ તમારી દુકાને પહોંચી જશે. ત્યારબાદ 21 જુલાઈના દિવસે માલ ન પહોંચતા અરૂણભાઈ નામના વ્યક્તિને ફોન કરતા તે ફોન બંધ આવ્યો હતો.
કંપનીના માલિક સાથે વાતચીત થતાં ભાંડો ફૂટ્યોઃએટલે ફરિયાદીએ શેફ હેલ્પ એન્ટરપ્રાઇઝ કંપનીના નંબર ઓનલાઈન સર્ચ કરી ફોન કરતા આવો કોઈ ઓર્ડર મળ્યો ન હોવાનું તેમ જ અરૂણભાઈ નામનો વ્યક્તિ પણ અહીં કોઈ ન હોવાનું સામેથી જણાવાયું હતું. આથી વેપારી પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણ થતા સમગ્ર મામલે દૂધઈ પોલીસ મથકે અરૂણભાઈ નામના વ્યક્તિ વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ તળે ફરિયાદ નોંધાવી હતી.
હજી સુધી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી: ફરિયાદીઃફરિયાદી દૂધઈ પોલીસ સ્ટેશને આદિપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા કહેતા ફરિયાદીએ એસઓજીમાં ફરિયાદ કરી અને આરોપીનું એકાઉન્ટ સીઝ કરાવ્યુું હતું. ફરિયાદી દ્વારા એસઓજી ઑફિસમાં તમામ આધાર પૂરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ફરિયાદીને જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે તપાસ કરવામાં આવશે અને જરૂર પડશે ત્યારે તેમને બોલાવવામાં આવશે. આજે એક વર્ષનો સમય પસાર થયો હજી સુધી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવું ફરિયાદીએ જણાવ્યું હતું.
ઘણા બધા લોકોએ આ કંપનીના નામથી ફ્રોડ કર્યું છેઃઉપરાંત ફરિયાદી દ્વારા શેફ હેલ્પ એન્ટરપ્રાઇઝના મોબાઈલ નંબર અને એડ્રેસ ઓનલાઈન સર્ચ કરી તેમની ડિટેલ કાઢી અને કંપનીના માલિકને ફોન કરીને પૂછ્યું હતું. ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમની પાસે અરૂણ નામનો કોઈ સ્ટાફ નથી અને તમારી સાથે કોઈ ફ્રોડ કર્યો છે. ઉપરાંત આવા ઘણા બધા લોકોએ કંપનીના નામથી ફ્રોડ કર્યો છે અને તેની કમ્પ્લેન મુલુંડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ પણ ઘણા બધા ફેલ થયા છે, પરંતુ કોઈપણ એક્શન લેવામાં આવ્યા નથી તેવું ફરિયાદી હિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું.