કચ્છ : આગામી માસમાં કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ભુજના ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મંત્રી અશોક વોરાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટની જાહેરાત કરે તેમાં ભુજના ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓએ બજેટમાં ખાસ આશાઓ અને અપેક્ષાઓ રાખી છે. કચ્છની અંદર ખૂબ જ વિશાળ માત્રામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ છે, લાઇટની સુવિધાઓ છે, રોડ રસ્તાઓ છે, બે મોટા મહાબંદરો છે ઉપરાંત વિસ્તારની દૃષ્ટિએ પણ મોટો જિલ્લો હોતા જમીન પણ છે, ત્યારે હજી પણ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવે તો ખૂબ જ સારો અવકાશ છે અને import-export માટે પણ સારી તકો છે.
INCOME TAX SLABમાં વધારો કરવામાં આવે : અન્ય ખાસ અપેક્ષાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આવકવેરાની વાત કરવામાં આવે તો જુદાં જુદાં કરમુક્ત સ્તર નક્કી કરવામાં આવ્યા છે, ત્યારે 5 લાખ સુધીની આવક કરમુક્ત ગણવામાં આવી રહી છે. તો તેનું સ્તર વધારવામાં આવે તેવી અપેક્ષા છે. કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આયુષ્માન કાર્ડની ભેટ આપી છે. તો તે 5 લાખ રૂપિયાની આવક ખૂબ જ ઓછી છે માટે દર વર્ષે 2 ટકા, 5 ટકા, 10 ટકા જેટલી છૂટછાટ આપતા જાય તો તે અનુકરણીય રહેશે.
કચ્છને AIIMS મળે તેવી અપેક્ષા : આ ઉપરાંત કચ્છને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવામાં આવે તો ગલ્ફ દેશોના લોકો સરળતાપૂર્વક કચ્છ આવી શકે અને વાહનવ્યવહાર પણ સરળ બની શકે તેમ છે. માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે માન્યતા મળે તેવી આશા છે. આ ઉપરાંત કચ્છ એ એક વિશાળ જિલ્લો છે અને સાથે જ અહીં તમામ પ્રકારના લોકોના સ્વાસ્થ્યને અનુકૂળ આવે તેવું વાતાવરણ છે, ત્યારે મેડિકલ હબ તરીકે કચ્છનો વિકાસ થાય તે માટે AIIMS કચ્છને મળે તેવી આશા લોકો સેવી રહ્યા છે.