ભૂજ: ભૂજમાં અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર ભારતમાં ભાગ્યેજ જોવા મળતા ગુલીયનબેર સિન્ડ્રોમની (ફેફસાં સહિત શરીરના તમામ સ્નાયુનાં ચેતાતંત્ર કામ કરતા બંધ થઇ જવા) સફળતાપૂર્વક સારવાર કરી ભચાઉની 8 વર્ષની બાળકીના તબક્કાવાર તમામ સ્નાયુઓ કાર્યાન્વિત કરી બાળરોગ વિભાગની ટીમે તેને નવજીવન આપ્યું હતું.
ભારતમાં ભાગ્યે જ જોવા મળતા ગુલીયનબેર સિન્ડ્રોમની ભૂજમાં સારવાર, ભચાઉની બાળાને નવજીવન અપાયું - Kutch
ભૂજમાં અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર ભારતમાં ભાગ્યેજ જોવા મળતા ગુલીયનબેર સિન્ડ્રોમની (ફેફસાં સહિત શરીરના તમામ સ્નાયુનાં ચેતાતંત્ર કામ કરતા બંધ થઇ જવા) સફળતાપૂર્વક સારવાર કરી ભચાઉની 8 વર્ષની બાળકીના તબક્કાવાર તમામ સ્નાયુઓ કાર્યાન્વિત કરી બાળરોગ વિભાગની ટીમે તેને નવજીવન આપ્યું હતું.
હોસ્પિટલનાં બાળરોગ વિભાગના રેસી. ડો. અવિનાશ પટેલના જણાવ્યા અનુસાર, આ ગુલીયનબેર સિન્ડ્રોમ એ સ્નાયુઓનો રોગ છે. પગથી સ્નાયુ નિષ્ક્રિય થવાની શરૂઆત થાય છે. અને ક્રમશ: ફેફસાના સ્નાયુ સહિત આખા શરીરને કબજામાં લઇ જાય છે. એક વખત ફેફસાં આ રોગની ઝપટમાં આવી જાય પછી દર્દીને બચાવાનું અશક્ય બની જાય છે. કારણ કે, શરીરમાં એન્ટીબોડીઝ તમામ કોષોનો નાશ કરતા હોવાથી આ પરિસ્થિતિ ઉભી થાય છે. બાળરોગ વિભાગના હેડ ડો. હસમુખ ચૌહાણ અને ડો. એકતા આચાર્યની દેખરેખ હેઠળ થયેલી સારવાર અંગે ડો. પટેલે વિગતવાર માહિતી આપતા કહ્યું કે, ભચાઉની કનિકા અવસ્થીને આ રોગ થયો હતો. પ્રથમ તેને ગાંધીધામની જાણીતી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પરંતુ, ત્યારબાદ સુધારો ન જણાતા ભુજ લાવવામાં આવી ત્યારે શ્વાસ લેવાની નળી(ઈન્ટયુબેટ) સાથે આવી હતી, બાળકીએ ચકાસતા ગુલીયનબેર સિન્ડ્રોમ જણાયું હતું. જેમાં ઈન્ટયુલેટ ટ્યુબ હોવાથી ફેફસાં સુધી સ્નાયુ નિષ્ક્રિય થઇ ગયાનું સ્પષ્ટ જણાતું હતું. વધુમાં ફેફસામાં પાણી ભરાઈ ગયા હોવાથી કેસ જટિલ બની ગયો હતો. શ્વાસની તકલીફને કારણે બાળાને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. જ્યાં પહેલું કામ IVIG( ઇન્ટ્રાવિનસ ઈમ્યુનો ગ્લોબ્યુંલિન) શરુ કરી પાણી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બાળકીને સતત 18 દિવસ સુધી વેન્ટીલેટર ઉપર રાખવાથી ફેફસાને વધુ નુકસાન ન થાય એ માટે ગળામાં કાણું કરી (ટ્રેકયાસ્ટોમી ટ્યુબ) મુકવામાં આવી હતી. આ ઉપરાંત આટલો લાંબા સમય સુધી દર્દીની રોજીંદી કુદરતી પ્રક્રિયા જાળવવા આનુષાગિક સારવાર પણ કરવામાં આવી હતી. બાળકીના સદનસીબે સુધારો જણાતા ધીમે ધીમે શ્વાસ લેતી થઇ હતી. અને તેને વેન્ટીલેટર પછી સાદા ઓક્સીજન પર મુકવામાં આવી હતી. વધુ સુધારો થતા તેને કસરત શરુ કરાવી તેના ધીમે ધીમે સ્નાયુ કામ કરતા કરવામાં આવ્યા હતા.