ભૂજઃ હાજીપીરના મેળામાં ધંધાર્થે પહોંચેલા વેપારીઓ લોકડાઉનને પગલે ફસાયા છે. વેપારીઓને કોરોનાને પગલે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે તંત્ર અને સેવાભાવીઓ તેમની મદદ માટે પહોંચ્યાં છે. આ ધંધાર્થીઓ તંત્ર પાસે વતનવાપસીની રજૂઆત કરી રહ્યા છે.
હાજીપીરના મેળામાં ચકડોળ, ખાણી-પીણી સહિતના ધંધાર્થીઓ દર વર્ષની જેમ ઉર્ષના એક અઠવાડિયા અગાઉ જ અમદાવાદ, મોરબી, રાજકોટ વગેરે જિલ્લામાંથી હાજીપીર પહોંચી ગયા હતા. કોરોનાના રોગચાળા સંદર્ભે 31 માર્ચ સુધી ઉર્ષ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. 31 માર્ચ પછી ઉર્ષ યોજાઈ શકે છે તેવી આશા સાથે આ ધંધાર્થીઓએ અહીં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો હતો.
હાજીપીરના મેળા માટે પહોંચેલા ધંધાર્થીઓ કચ્છમાં અટવાયા, વતન વાપસીની તંત્રને રજૂઆત
હાજીપીરના મેળામાં ધંધાર્થે પહોંચેલા વેપારીઓ લોકડાઉનને લીધે ફસાયા છે. જોકે તંત્ર અને સેવાભાવીઓએ તેમને મદદ કરીને હાલ રહેવા જમવાની વ્યવસ્થાઓ કરી આપી છે. પરંતુ આ ધંધાર્થીઓ તંત્ર પાસે વતન વાપસીની રજૂઆત કરી રહ્યાં છે.
આ દરમિયાન અચાનક 21 દિવસનું રાષ્ટ્રવ્યાપી લૉક ડાઉન જાહેર થઈ જતાં આ ધંધાર્થીઓ અહીં ફસાઈ ગયાં છે. અત્યાર સુધી તો તેમણે કોઈ સરકારી કે સંસ્થાની મદદ વગર પોતાની પાસે રહેલા રાશનમાંથી આટલાં દહાડા ખેંચ્યા પણ અનાજ-પાણી ખૂટી જતાં આ ધંધાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. તેમની હાલત અંગે જાણ થતાં નખત્રાણાના નાયબ પોલીસ અધિક્ષક સુચનાથી નરા પોલીસે ફુડ કીટની વ્યવસ્થા કરી આપી છે.
અબડાસાના વિંઝાણના સેવાભાવી સૈયદ સલીમબાપુ ગૃપને ટોડિયાના સૈયદ ઈમામશાબાપુએ જાણ કરતાં તે ગૃપે પણ પોલીસના માધ્યમથી આઠેક દિવસના રાશન-પાણીની મદદ વેપારીઓને કરી છે. ભૂખથી ટળવળતાં આ ધંધાર્થીઓના રાશન-પાણીની હાલપૂરતી વ્યવસ્થા થઈ ગઈ છે. પણ જો 14 એપ્રિલ બાદ લોકડાઉન લંબાય તો તેમની મુશ્કેલીઓ પણ લંબાશે તે હકીકત છે.
તેથી આ પરિવારો સરકારી તંત્રો પાસે તેમને વતન પરત મોકલી આપવાની વ્યવસ્થા કરવાની માગ કરી રહ્યાં છે. આ ધંધાર્થીઓ માટેની મદદમાં સૈયદ સલીમબાપુ ગૃપ તરફથી રજાક હિંગોરા, રજાકશા સૈયદ, અલીમામદ હિંગોરા અને સૈયદ ઈમામશા બાપુ વગેરે જોડાયાં હતા.