કચ્છ:ભુજના હોસ્પિટલ રોડ પાસે આવેલી રામક્રૃષ્ણ કોલોનીમાં રહેતા 25 વર્ષીય વિવેકે રાજયભરમાં 206મો રેન્ક (Kutch Student pass GPSC Exam) મેળવ્યો છે. મુળ રાજસ્થાનના નીતીન યાદવ છેલ્લા ચાર દાયકાથી શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે બાજરાનો રોટલો અને મગનું શાક વેચવા માટે લારી લગાવે છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. નીતીનભાઇનો પુત્ર વિવેક યાદવ 25 વર્ષની ઉંમરે GPSCની પરીક્ષા આપી રાજયભરમાં 206મો રેન્ક (Kutch Student get 206 Rank in GPSC) મેળવ્યો છે.
બાજરાના રોટલા વેચી જીવન નિર્વાહ કરતા પિતાનો પુત્ર સરકારી અધિકારી બન્યો
જે શ્રમજીવી પરીવારને કયારે ટેક્સ અંગે કોઇ માહિતી નથી, મોટો પુત્ર સામાન્ય નોકરી અને પિતા બાજરાના રોટલા વેચી જીવન નિર્વાહ કરે છે તે પરિવારનો પુત્ર સ્ટેટ ટેક્સ ઓફિસર બનતા પરિજનો અને સબંધીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પિતાની હૈયાધારણા અને ભાઇના સપોર્ટથી વિવેક છેલ્લા બે વર્ષથી GPSCની તૈયારી કરતો હતો અને અંતે તે વર્ગ- 2 અધિકારી બન્યો છે. પરીક્ષાની તૈયારી શરૂ કરી તે પહેલા વિવેક એક વર્ષ કલાર્ક અને બે- ત્રણ મહિના મેડીકલ સ્ટોરમાં હેલ્પર તરીકે પણ નોકરી કરી ચૂક્યો છે.
મેડિકલમાં હેલ્પર અને કલાર્ક તરીકે નોકરી કર્યા બાદ GPSCની તૈયારી શરૂ કરી
વિવેકે ભુજમાં જ અભ્યાસની શરૂઆત કરી હતી. હોસ્પિટલ રોડ મધ્યે આવેલી ભુજ ઇંગ્લીશ સ્કુલમાં ધોરણ 1થી 11 સુધી અભ્યાસ કર્યો હતો. બાદમાં 12મું ધોરણ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી એક્સર્ટનલ કર્યું હતું. 2013થી 2017 સુધી કચ્છ યુનિવર્સિટી મધ્યે BAમાં એક્સર્ટનલ અભ્યાસ કર્યું હતું. બાદમાં યુવકે પરિવારને મદદ કરવા માટે બે- ત્રણ માસ મેડીકલમાં હેલ્પર તરીકે નોકરી કરી હતી, બાદમાં સરકારી કચેરીમાં કલાર્ક તરીકે નોકરી કરી હતી. તો એક વર્ષ મિલિટરી એન્જિનિયર સર્વિસમાં આઉટ સોર્સિંગ મારફતે કોન્ટ્રાકટ પર કલાર્ક તરીકે નોકરી કરી હતી. GPSCની તૈયારી કરવાની ઇચ્છા દર્શાવતા તેના મોટાભાઇ કરણે તેને નોકરી મૂકવાની સલાહ આપી હતી. 2019માં તમામ નોકરી મુકી તૈયારી શરૂ કરી અને તાજેતરમાં જ સફળતા મેળવી છે.