- મુંદ્રા કસ્ટોડિયલ ડેથ મામલો
- ચારણ સમાજ દ્વારા મુંદ્રા બંધના એલાનને સજ્જળ પ્રતિસાદ
- આ ઘટનામાં સામેલ તમામ જવાબદારોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ
કચ્છઃ જિલ્લાના મુંદ્રા તાલુકાના સમાઘોઘા ગામના યુવાનો પર મુંદ્રા પોલીસ મથકે દમન ગુજારાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. જે ઘટનાને લઈ કચ્છ સહિત રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રક્ષક જ ભક્ષક બને ત્યારે આમ પ્રજા કેમ સુરક્ષિત રહી શકે તેવો રોષ પણ ભભૂકી રહ્યો છે. આ ઘટનામાં સામેલ તમામ જવાબદારોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે સોમવારે ચારણ સમાજ દ્વારા મુંદ્રા બંધનું એલાન અપાતા અન્ય સમાજો તેમજ વેપારી એસોસીએશનોએ પણ તેને સમર્થન આપતા બંધને સજ્જળ પ્રતિસાદ મળ્યો હતો.
સમગ્ર કચ્છવાસીઓમાં ઉગ્ર રોષ
મુંદ્રા શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી. મુંદ્રા પોલીસ મથકે સમાઘોઘા ગામના યુવાનોને ઢોર માર મરાતા એકનું તે સમયે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 2 યુવાનોને ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ રખાયા હતા, જે પૈકીના એક યુવાને બે દિવસ પુર્વે દમ તોડયો હતો. બબ્બે યુવાનોના પોલીસના દમનથી મોત નિપજતા પરિવારજનો પર આભ તુટી પડયું છે. આ ઘટનાને લઈ ચારણ સમાજ ઉપરાંત સમગ્ર કચ્છવાસીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં સંડોવાયેલા તમામ પોલીસ કર્મચારીઓની હજુ સુધી ધરપકડ થઈ ન હોઈ દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે.
પીડિત પરિવારને ન્યાય અને વળતર મળે તેવી માંગણી
સમાઘોઘા ખાતે અખિલ કચ્છ ચારણ સમાજ દ્વારા શાંતિ સંમેલન યોજાયું હતું. જેમાં સમાજના મોભીઓ, આગેવાનો, કાર્યકરો સહિત અન્ય સમાજના લોકો કચ્છભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. પોલીસના દમનથી મૃત્યુ પામેલા બે યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથોસાથ આગામી સમયમાં કેવા પ્રકારની રણનીતિ ઘડવી તેના પર પણ ચર્ચા કરાઈ હતી. અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ વિજય ગઢવીએ જણાવ્યું કે, પોલીસ દ્વારા ગુજારાયેલા દમનમાં બે યુવાનોના મોત નિપજતા સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. અમે આક્રોશને દબાવી બેઠા છે. અત્યંત ગંભીર બનાવમાં સરકાર અને આગેવાનો તરફથી મોડી પ્રતિક્રિયા આવી છે. પીડિત પરિવારને ન્યાય અને વળતર મળે તેવી અમારી માંગણી છે. ટ્રાયલ ચાલે ત્યાં સુધી પીડિત પરિવારોને રક્ષણ પણ મળવું જોઈએ. આજરોજ અપાયેલા બંધના એલાનમાં મુંદ્વા ઉપરાંત ઝરપરા, નાની–મોટી ભુજપુર, બોરાણા, નાના કપાયા, મંગરા, શેખડીયા, વવાર, મોટી ખાખર, મોટા કાંડાગરા, ભાડીયા, બાડા, ભાડા, કોડાય, રાયણ, લાયજા, પાંચોટીયા, કાઠડા, દેશલપર કંઠી, શીરાચા, નવીનાળ સહિતના ગામોમાં બંધની અસર જોવા મળી હતી. સમાઘોઘા ખાતે યોજાયેલા શાંતિ સંમેલનમાં અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે, તપાસ ચોક્કસ દિશા તરફ આગળ ધપી રહી છે. ગુનેગારોને ફાંસીના માચડે ચડાવાની ઉમ્મીદ છે. પશ્ચિમ કચ્છ એસપી સૌરભસીંગના સીધા નેતૃત્વ તળે ટીમ ડીવાયએસપી જે.એન.પંચાલ સારી કામગીરી કરી રહ્યા છે. તપાસ પર પુરતો ભરોસો છે. સાક્ષિઓને કોઈ ભૂ-માફિયા દબાવે નહીં તે માટે રક્ષણ આપવાની સાથો સાથ કુટુંબને વળતર મળે તે માટે લડત ચાલુ રહેશે.
આરોપીઓ સત્વરે પકડાય તે માટે કચ્છ પોલીસની સાથે એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ
મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી મામલે શકદાર તરીકે ત્રણ યુવાનોને પોલીસ મથકે લવાયા હતા, જે બાદ જે ઘટના બની તેનાથી સૌ કોઈ વાકેફ છે. બનાવની જાણ થતાં જ મુંદ્રા પીએસસીમાં પોલીસ ઓફિસર પહોંચ્યા અને લીગલ જે એકશન લેવાના થશે તે લીધા હતા. આઈજી અને એસપીની સૂચનાથી તાત્કાલિક તપાસ શરૂ કરાઈ હતી. જે-તે દિવસે ફરિયાદમાં ત્રણ આરોપીઓના નામ હતા, પરંતુ તપાસમાં અન્ય પોલીસ તેમજ સિવિલિયન્સના નામ પણ ખૂલ્યા છે. યુવાનોની સારવાર માટે પુરતા પ્રયાસો કરાયા છે. આ ગુનામાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાક્ષીની સુરક્ષાની જવાબદારી પોલીસની છે. ગુજરાત અને ગુજરાત બહાર તપાસ ચાલી રહી છે. એટીએસને પણ તપાસમાં જોડવામાં આવી છે. ગઢવી સમાજે પોલીસને સહકાર આપ્યો તે ઉદાહરણ રૂપ છે. આગામી દિવસોમાં પણ આવા જ સાથ સહકારની આશા પોલીસે વ્યક્ત કરી હતી.
મુંદ્રા કસ્ટોડિયલ ડેથ મામલે સમગ્ર મુંદ્રા બંધ રહ્યું