ભુજ : લોકડાઉન અને મહામારીના અનલોક-2ની શરૂઆતના સમય વચ્ચે આજે મંગળવારે ભુજ નગરપાલિકાની સામાન્ય સભા ટાઉનહોલ ખાતે મળી હતી. જેમાં શાસક પક્ષ ભાજપના ડ્રેનેજ સમિતિના ચેરમેન દિલીપ હડિયાએ ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યા હતા. જેમાં ખાસ કરીને શહેરના ગટર કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જણાવીને પાલિકાના ચીફ ઓફિસર સામે ઠપકા દરખાસ્ત રજૂ કરી હતી. જેને પ્રમુખની સહી સાથે પસાર કરી હતી.
ભુજ પાલિકાની સામાન્ય સભા બની તોફાની, વિપક્ષે શાસકોને ઘેરો ઘાલ્યો - general meeting of Bhuj Municipality
નગરપાલિકાની આજે મંગળવારે મળેલી સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર ચીફ ઓફિસર સામે ઠપકા દરખાસ્ત સહિતના મુદ્દે ભારે તોફાની બની હતી. ખુદ શાસક પક્ષ ભાજપના જ નગરસેવકે ભ્રષ્ટાચારનો આરોપ મુકયો હતો, ત્યારે શાસક પક્ષ કામગીરીના મુદ્દે પાલિકા ચીફ ઓફિસર સામે ઠપકા દરખાસ્ત પસાર કરી હતી. જેને પગલે વિરોધ પક્ષે નગરપાલિકા પ્રમુખને ઘેરો ઘાલીને સભા ખંડના દરવાજા બંધ કરવા ઉપરાંત પ્રમુખની કારને પણ અટકાવી હતી.
પાલિકાની સામાન્ય સભા બની તોફાની, વિપક્ષે શાસકોને ઘેરો ઘાલ્યો
આ ઉપરાંત નગરસેવકોએ પાલિકાના કર્મચારીઓને ડબલ પગાર, વેરા વસુલાતમાં ભ્રષ્ટાચાર સહિતના આરોપ મૂક્યા હતા. જેને પગલે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. આ હોબાળા વચ્ચે પ્રમુખ લતાબેન સોલંકી સભા સમેટી લેતા વિરોધ પક્ષના કોંગ્રેસના નગરસેવકોએ ટાઉનહોલનો દરવાજો બંધ કર્યો અને વિવિધ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી હતી. આ સાથે પ્રમુખ નીકળી જતા તેમની કારને પણ ટાઉનહોલમાં અટકાવી દેવાઈ હતી. ભારે ધમા ચકડીને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.