- શિક્ષકે હરતી-ફરતી ડિજિટલ શાળા બનાવી
- અત્યાર સુધીમા 400 વિદ્યાર્થીઓએ મેળવ્યું શિક્ષણ
- શિક્ષણ કાર્ય દરમિયાન કોરોનાની ગાઇડલાઈનનું સંપૂર્ણપણે કરવામાં આવે છે પાલન
કચ્છઃ કોરોના મહામારીના સમયગાળામાં શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ છે. ત્યારે માંડવી તાલુકાના મસ્કા ગામના શિક્ષકને બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવું તેવો વિચાર આવતા તેમણે હરતી-ફરતી ડિજિટલ શાળા બનાવી છે. જેનો પ્રારંભ બાગ ગામની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાથી કરવામાં આવ્યો હતો. હુંદરાઇ બાગ ગામે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષણ રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બાળકોને ઘર આંગણે જઈ આપવામાં આવે છે શિક્ષણ
મસ્કાના રહેવાસી તથા બાગની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપક મોતાને શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત 42 ઇંચનું LED ટીવી યુનિટ ફિટ કરીને હરતી- ફરતી ડિજિટલ શાળા બનાવી હતી. જેના દ્વારા બાળકોને ઘર આંગણે જઈને ઇલેકટ્રોનિક માધ્યમથી અભ્યાસ કરાવી શકાય છે.
આ પણ વાંચોઃ કરદેજની સરકારી કન્યા શાળા ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરી રહી છે
વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં પડી રહી છે મુશ્કેલી
કોરોનાની મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્તા નથી. સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ ભલે ચાલુ કરાયું હોય પણ ઘણા એવા અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં નેટવર્ક અને વીજળીનો અભાવ છે, તથા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોન પણ નથી. તેમજ જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોનની સુવિધા ઉપલબ્ધ હોય, એવા મોટાભાગના વાલીઓ વહેલી સવારે ધંધાર્થે નીકળી જાય છે અને મોડી સાંજે ઘરે આવે છે, જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આવી વિડંબના ભરી પરિસ્થિતિમાંથી નજીકના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થી સહિત તાલુકાના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળે તે હેતુસર આ ડિજિટલ શાળા શરૂ કરવામાં આવી છે.