ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News: ભુજના સ્વામિનારાયણ મંદિરમાં શ્રી હરિને હૈયાનાં હેતથી ઝુલાવવાનો હિંડોળા ઉત્સવનો પ્રારંભ - હૈયાનાં હેતથી ઝુલાવવાનો હિંડોળા ઉત્સવનો પ્રારંભ

શ્રાવણ મહિનાનો સમય એટલે હિંડોળા ઉત્સવનો સમય. હરિને પ્રેમના ઝૂલે ઝુલાવવાનો સમય એટલે હિંડોળા મહોત્સવ. હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો લેવાનો અવસર. ભુજના જુદા જુદા મંદિરોમાં આ વખતે મનમોહક હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

swaminarayan-mandir-dhandalpur-carousel-festival-of-swinging-shri-hari-with-the-intention-of-haiya-begins
swaminarayan-mandir-dhandalpur-carousel-festival-of-swinging-shri-hari-with-the-intention-of-haiya-begins

By

Published : Jul 20, 2023, 3:05 PM IST

Updated : Jul 20, 2023, 5:28 PM IST

શ્રી હરિને હૈયાનાં હેતથી ઝુલાવવાનો હિંડોળા ઉત્સવનો પ્રારંભ

કચ્છ:અષાઢ અને શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ અનેક રીતે મહત્વ ધરાવે છે. તેમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનને ઝૂલામાં બેસાડી સંતો મહંતો દ્વારા દર વર્ષે ભગવાનને ઝૂલે ઝુલાવી હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા હિંડોળા મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે.

ભુજના જુદા જુદા મંદિરોમાં આ વખતે મનમોહક હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

મનમોહક હિંડોળા દર્શનનું આયોજન:એક માસ ચાલતા હિંડોળા આ વર્ષે બે માસ ચાલશે જેમાં ભક્તો દરરોજ જુદા જુદા પદાર્થોથી ભક્તિ ભાવપૂર્વક હિંડોળાને શણગારે છે અને રેશમની દોરીથી હરીને ઝુલાવી ભાવવિભોર બની જાય છે. ઉત્સવને લીધે માણસનું જીવન શુષ્ક થતું અટકે છે અને રસમય બને છે.ભાવપૂર્ણ અંતઃકરણથી જો ઉત્સવ ઉજવવામાં આવે તો જીવનમાં આનંદનું નિર્માણ થાય છે.

જુદી જુદી સામગ્રીમાંથી તૈયાર કરાય છે હિંડોળા:હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી મંદિરોમાં ઉજવાય છે. આવા હિંડોળામાં ઝૂલાવાના અવસરે ભક્તો નીત નવા પદાર્થોથી હિંડોળાને શણગારે છે. કોઈ દિવસ સુગંધીમાન પુષ્પ હોય તો કોઈ દિવસ વળી ફળ, સૂકો મેવો, રાખડી,પવિત્ર મોતીના, આભલાના, હીરના ,કઠોળના, અગરબત્તી, મીણબત્તી, ચાંદી અને સુવર્ણોના દાગીના, કોડી, શંખલા, છીપલા, મોરપીંછ, સિક્કા, બોલપેન, આર્ટિફિશિયલ ફુલ, સીંગદાણા, ચોકલેટ, મરી મસાલા, સ્ટેશનરીની આઈટમો વગેરે જેવા ભાત ભાતના સુંદર અને આકર્ષક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાંજના સમયે હરિભક્તો તેમના લાડકોડ તન મન અને ધનથી સેવા કરીને પરિપૂર્ણ કરે છે.

ઝુલા ઉત્સવ તરીકે પણ પ્રખ્યાત:ઉલ્લેખનીય છે કે, વૃંદાવનના ઘણા મંદિરોમાં અને અયોધ્યામાં હિંડોળા ઉત્સવ ઝુલા ઉત્સવ તરીકે ઉજવાય છે. ગુજરાતમાં પણ જુદાં જુદા વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. વૈષ્ણવી પરંપરા મુજબ શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા હિંડોળામાં શ્રીકૃષ્ણને ઝુલાવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સંતો ભક્તોએ પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ખૂબ જ ઝુલાવ્યા છે.

'શ્રાવણ મહિનો આવે એટલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે અને ઝરમર ઝરમર વરસાદ વરસે છે ત્યારે ભગવાન ઘનશ્યામ હિંડોળે ઝૂલે છે.દર વર્ષે ભક્તો પોતાના જુદાં જુદાં ભાવ રજૂ કરે છે અને તે ભાવ મુજબ તેઓ હિંડોળાનું સુશોભન કરતા હોય છે.જુદી જુદી સાધન સામગ્રીથી હિંડોળા બનાવવામાં આવે છે.જેમાં ભક્તો હરિ પ્રત્યેના પોતાના ભાવ રજૂ કરે છે.સારા વરસાદના પગલે પ્રકૃતિ ખીલેલી છે સાથે જ ભગવાન સ્વામિનારાયણ પ્રેમથી ઝૂલા ઝૂલી રહ્યા છે.' -પ્રફુલાબેન મહેતા, દર્શનાર્થી

હિંડોળા મહોત્સવનો ઇતિહાસ:શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન માટે બાર બારણાંનો અદભુત હિંડોળો રચ્યો હતો અને વડતાલમાં શ્રીહરીને બેસાડીને ઝુલાવ્યા હતા. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય સ્વરૂપે હિંડોળામાં બેસીને દિવ્ય લીલાઓ કરીને જે સુખ આપ્યા છે તેની સૌને સ્મૃતિ થાય એટલા માટે સ્વામિનારાયણ મંદિરોમાં આમ તો દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી એક માસ માટે હિંડોળા ઉત્સવ ઉજવાય છે પરંતુ આ વખતે અધિક માસ પણ હોતા બે માસ માટે આ મહોત્સવ ઉજવાશે.

અનેક પ્રકારનો ઉપદેશ અને પ્રેરણા:સ્વામિનારાયણ મંદિરના સ્વામી લક્ષ્મણપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે, "હિંડોળાના મહોત્સવમાંથી જનતાને અનેક પ્રકારનો ઉપદેશ અને પ્રેરણા મળે છે. જેમ હિંડોળામાં વ્યક્તિએ સાંકળ પકડી રાખવી પડે છે તેવી જ રીતે જીવનના હિંડોળામાં પણ સંયમ તથા સાવધાનીની સાંકળ પકડી રાખવી પડે છે. નહીં તો ક્યારે પડી જવાય તેની ખબર ન પડે.જીવનમાં પણ ઝુલાની જેમ ચડતી પડતી આવવાની અને જવાની છે. સુખ દુઃખના સમય આવવા અને જવાના છે.હરીને હૈયાના હિંડોળે ઝુલાવવાના હિંડોળા ઉત્સવમાં સૌ કોઈને સદાય ભગવાનનું દિવ્ય અખંડ સ્મરણ રહે અને જીવનના ઝુલામાં સદાય સંયમ, સાવધાની અને સમજણ રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે."

  1. Bonalu Festival 2023: તેલંગાણાની અનોખી સંસ્કૃતિનું પ્રતિક બોનાલુની ઉજવણી કરવામાં આવી, જાણો તેનો ઈતિહાસ
  2. Dumas Beach Garba : સુરતના ડુમસ બીચ પર ગરબાની રમઝટ બોલી
Last Updated : Jul 20, 2023, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details