કચ્છઃ કચ્છના અબડાસા તાલુકામાં આ વર્ષે શ્રીકાર વરસાદના પગલે લગભગ તમામ ડેમ ઓવરફલો થયા છે. ડેમ ઓવરફ્લો થવાથી પૂર્વ ધારાસભ્યએ જિલ્લા વિકાસ અધિકારીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની રજૂઆત કરી છે.
અબડાસાના ખેડૂતોને સિંચાઈના પાણી આપવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત - અબડાસાના માજી ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરા
કચ્છના અબડાસા તાલુકામાં આ વર્ષે શ્રીકાર વરસાદના પગલે લગભગ તમામ ડેમ ઓવરફલો થયા છે. ડેમ ઓવરફ્લો થવાથી પૂર્વ ધારાસભ્યએ જિલ્લા વિકાસ અધિકારીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની રજૂઆત કરી છે.
અબડાસાના પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહીમ મંધરાએ જિલ્લા વિકાસ અધિકારીને તાલુકાના ઓવરફલો ડેમોના પાણી સિંચાઈના હેતુસર મળે તે માટે રજૂઆત કરતા જણાવ્યું કે, અતિવૃષ્ટિના લીધે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. જેથી તેમના પર બોજો વધી ગયો છે, ત્યારે ખેડૂતોને આત્મહત્યા કરવા જેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલમાં મીઠી, કનકાવતી, બેરાચીયા તથા અન્ય જિલ્લા પંચાયત હસ્તકના ડેમ ઓવરફલો થયા છે, જેની કેનાલોમાં સમારકામ તથા સફાઇ કરવામાં આવે જેથી શિયાળામાં પાક માટે ખેડૂતોને કેનાલનું પાણી પુરુ પાડી શકાય. જેથી ખેડૂતો શિયાળુ પાક લઇ શકે. આથી ખેડૂતોને બોજામાંથી મુક્તિ મળી શકે તેમજ ખેડૂતોને આત્મહત્યા કરતા બચાવી શકાય.
આ અગાઉ પણ સ્થાનિક ખેડૂતો દ્વારા તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના કોઈ પણ પરિણામ મળ્યા નથી. આ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને વાકેફ કરી તેમની કક્ષાએ યોગ્ય રજૂઆત કરવા અપીલ કરવામાં આવી છે.