કચ્છના સફેદ રણમાં ત્રિ-દિવસીય રાષ્ટ્રીય પ્રવાસન શિબિરનો પ્રારંભના પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, માનવ સંસ્કૃતિની સદીઓ પુરાણી સભ્યતા સંસ્કૃતિને ઉજાગર કરતા પુરાતત્વીય સ્થળોનો વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના પાંચ સ્થળો પૈકી ગુજરાતમાં આવેલા લોથલ અને ધોળાવીરા આઇકોનિક સ્થળ તરીકે પ્રસ્થાપિત થાય, તે માટે બજેટમાં વિશેષ જોગવાઇ પણ કરવામાં આવી છે. ધર્મ-સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે રાષ્ટ્રીય એકતાના ઇતિહાસને પણ પ્રવાસનથી વિશ્વ સમક્ષ ઉજાગર કરવા વડાપ્રધાની પ્રેરણાથી કેવડિયામાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા દેશના દરેક રાજ્યના નાગરિકોને અહીં એક અને અખંડ ભારતની પ્રતીતિ થતી રહે તે માટે યુનિટી વોલ અને ભારત ભવનથી પણ પ્રવાસન પ્રવૃત્તિને નવો વેગ મળ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવાસનનો વિકાસ માટે અનેક શક્યતાઓ રહેલી છે, જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક - ઐતિહાસિક સ્થળોના વિકાસની સાથે છેલ્લા ત્રણ વર્ષથી માધવપુર ઘેડ પંથકમાં રૂક્ષ્મણી અને શ્રીકૃષ્ણ વિવાહને ઉજાગર કરતા ઉત્સવની ઉજવણી થકી પ્રવાસનને વેગ આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
કચ્છમાં પર્યટનના થયેલા વિકાસનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિના કારણે ભૂકંપ બાદ ધ્વસ્ત થયેલા કચ્છમાં આવેલા પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરતા સ્થળોનો વિકાસ કરી કચ્છના સફેદ રણને દુનિયા સમક્ષ ઉજાગર કરી પર્યટનના માધ્યમથી કચ્છને બેઠું કર્યું છે. જેના કારણે કચ્છ આજે સવાયુ કચ્છ બન્યું છે. મુખ્યપ્રઘાન વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે, ટુરિઝમમાં ત્રણ ટીનો સમાવેશ થાય છે. જેમાં ટ્રેડિશન, ટેલેન્ટ અને ટ્રેડ આ ત્રણેય બાબતો પ્રવાસનને વેગ આપવા માટે અતિ આવશ્યક છે. મોદીએ ગુજરાતની સંસ્કૃતિઓ અને પરંપરાઓને પ્રવાસન સાથે જોડીને રાજ્યમાં ટુરિઝમને એક નવો માર્ગ ચીંધ્યો છે.