કચ્છ: જિલ્લાની પ્રખ્યાત એવી તમામ પક્ષીઓની સાઇટ પર હાલ વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ પક્ષીઓ ઠંડા પ્રદેશોમાંથી કચ્છમાં શિયાળો ગાળવા માટે પહોંચ્યા છે. તેમાં સુરખાબ એટલે કે ફ્લેમિંગોની સંખ્યા નોંધપાત્ર છે.
કચ્છના જાણીતા પક્ષીવિદ્દ નવીન બાપટે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કચ્છ એક એવો પ્રદેશ છે જેમાં દર શિયાળે પ્રજનનકાળમાં લાખોની સંખ્યામાં પક્ષીઓ આવે છે. આ પક્ષીઓ સુરખાબ નગરી અને છારીઢંઢ જેવી કુલ 100 સાઇટ્સ પર જોવા મળે છે. કચ્છના રણપ્રદેશ, દરિયો, હવામાનની સાનુકૂળતાને કારણે લાખો વિદેશી પક્ષીઓ કચ્છ સુધી આવે છે. જેમના નિરીક્ષણ માટે 120 દેશના પક્ષી નિરીક્ષકો કચ્છ સુધી આવે છે.
કચ્છનું મોટું રણ વિદેશી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠયું, સુરખાબનગરીમાં શરૂ થયું નવું જીવન રાપરના ફોરેસ્ટ ઓફિસર ચેતન પટેલે ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, કચ્છમાં અને પાકિસ્તાનના કેટલાક રણ વિસ્તારોમાં સારા વરસાદને પગલે કચ્છના મોટા રણમાં મીઠું પાણી આવ્યું છે. જુલાઈ મહિનાથી જ સુરખાબનું આગમન શરૂ થઈ જાય છે અને પક્ષીઓ મોટા રણના કાદવ તેમજ માટીનો ઉપયોગ કરીને માળા બનાવે છે. ઓગસ્ટ માસમાં ઈંડામાંથી બચ્ચા બહાર આવી જાય છે અને પછી સુરખાબ નગરી ગુલાબી નગરી બની આ વિદેશી મહેમાનોના કલરવથી ગૂંજતી થઇ જાય છે.
આ વર્ષે પણ ત્રણ લાખ જેટલા સુરખાબ કચ્છની મુલાકાતે આવ્યા હોવાનું અનુમાન છે. તેમજ 10 હજારથી વધુ માળા બંધાયા છે. સુરખાબ નગરીમાં મુખ્યત્વે ધ ગ્રેટર અને ધ લેસર એમ બન્ને પ્રકારના ફલેમિંગો જોવા મળે છે. આ વર્ષે આ બંને પક્ષીઓનો જમાવડો છે. શિયાળો પૂરો થયા બાદ આ તમામ ફ્લેમિંગો પોતપોતાના દેશ પરત ફરી જશે.
કચ્છથી રાકેશ કોટવાલનો વિશેષ અહેવાલ...