કચ્છ:બિપરજોયના કારણે ગુરુવારે વીજ લાઈનોને નુકસાન થયું છે. વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં સામાન્ય જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ઉથલપાથલ થઈ ગઈ હતી. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દરિયાની નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગુરુવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ 115 થી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારે ચક્રવાતથી તારાજી સર્જાઈ છે. વાવાઝોડા તરીકે બિપરજોયે જખૌ નજીક લેન્ડફોલ કર્યું હતું. શુક્રવારે સવારથી જ કચ્છમાં વરસાદ પડ્યો છે. આ સાથે વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે.
કચ્છમાં વરસાદઃરાત્રે 2 વાગ્યાથી સતત કચ્છમા ભારે પવન સાથે વરસાદ થયો હતો. વાવાઝોડા વચ્ચે કચ્છના 10 તાલુકામા 655MM વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 191 વીજપોલ પડ્યા છે. 304 વૃક્ષ સમગ્ર કચ્છમાં પડ્યા છે. અંજારમાં 89 MM, અબડાસામાં 29MM, ગાંધીધામમાં 168 MM, નખત્રાણામાં 35 MM, ભચાઉમાં 61 MM, ભુજમાં 135 MM, મુન્દ્રામાં 94 MM, માંડવીમાં 58 MM, રાપરમાં 12 MM, લખપતમાં 04 MM વરસાદ થયો છે. હજુ પણ મોડી રાત્રે નોંધાયેલ ભારે પવન સાથેના વરસાદ બાદ નુકશાની વધે તેવી શક્યતા છે. ગાંધીધામ,ભુજ, મુન્દ્રામાં સૌથી વધુ વરસાદની અસર જોવા મળી છે.
મોરબીમાં નુકસાનઃભારે પવનને કારણ મોરબીમાં મોટું નુકસાન થયું હતું. અનેક વિસ્તારામાં વીજ પુરવઠો પહોંચાડતા થાંભલાઓ પડી ગયા હતા. મોડીરાત સુધી ભારે પવન અનુભવાયો હતો. જેના કારણે મોરીબના ગ્રામ્ય અને શહેર એમ બન્ને પંથકમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. મોરબી પંથકના 45 ગ્રામ્ય વિસ્તારમાં અંધરપટ છવાયો હતો. પીજીવીસીએલના એન્જિનીયર જે.સી. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અમે તમામ વીજપોલને ફરી ઊભા કરવા જહેમત ઊઠાવી રહ્યા છે. ટીમ કામ કરી રહી છે. પ્રાથમિક તબક્કે 9 ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી વીજ પુરવઠો ચાલું થાય એવો અમારો પ્રયાસ છે. પછી બાકીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલું કરીશું.
હવામાન ખાતાની આગાહીઃહવામાન ખાતાએ આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર કચ્છમાંથી વાવાઝોડું 30 કિમીની ગતિથી ઉત્તર બાજું આગળ વધી શકે છે. જેની સીધી અસર નલિયાને થઈ શકે છે. ઉત્તર પૂર્વબાજું ફંટાયા બાદ આ વાવાઝોડું નબળું પડશે. પછી ડીપ ડિપ્રેશનમાં તે ફેરવાશે. તારીખ 16 જૂનથી વાવાઝોડું નબળું થવાની શરૂઆત થશે. એ પછી દક્ષિણ રાજસ્થાનના વિસ્તારોમાં પ્રવેશ કરીને આગળ વધી શકે છે.