જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી ચાલી રહેલી ચૂંટણીની પૂરજોશ તૈયારીઓ વચ્ચે જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ કચ્છની સ્વીપ ટીમ દ્વારા ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર કચ્છ સહિતના મતદારોમાં જાગૃતિ લાવતી અને કચ્છની કલા-સંસ્કૃતિ રજૂ કરતી આ શોર્ટફિલ્મ ‘‘મારો મત એજ મારી તાકાત’’નું નિર્માણકાર્ય કચ્છની સ્વીપ ટીમ દ્વારા કરાયું છે.
કચ્છના કલાકારો, સંતો, પ્રખ્યાત લોકગાયકો, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ અને અધિકારીઓ દ્વારા મતદારોને તા.૨૩મી એપ્રિલ, ૨૦૧૯ના રોજ મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. મદદનીશ ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિ અને સ્વીપના નોડલ અધિકારી એવા જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિના સહયોગથી આ ફિલ્મના નિર્માણકાર્યમાં મુંદરાના નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહિલ, ટુરીસ્ટ ગાઇડ શંકરભાઈ ઘેડા, ફિલ્મ ડાયરેકટર વિનોદભાઈ નંજાણ, યાદ સ્ટુડિયો, માંડવી દ્વારા આ ફિલ્મ બનાવાઇ છે.
આ ફિલ્મમાં બન્ની વિસ્તાર, માતાનામઢ, ધોળાવીરા, માંડવી બીચ, મુંદરા જેવા ધાર્મિક અને પર્યટક સ્થળોને ફિલ્માવવામાં આવ્યાં છે. પદ્મશ્રી અબ્દુલગફુર ખત્રી, કસબ સંસ્થાના ડાયરેકટર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મધુ રબારી, ગાયક ગીતા રબારી, હસ્તકલા કસબી પાબી રબારી, માતાના મઢના જાગીરદાર રાજાબાવા યોગેન્દ્રસિંહ, દેશ-વિદેશમાં પ્રખ્યાત લોકગાયક મુરાલાલા, અજરખ પ્રિન્ટીંગના ડો.ઇસ્માઇલ ખત્રી છે.
તેમજ જિલ્લાના અધિકારીઓ જિલ્લા કલેકટર રેમ્યા મોહન, આઇ. જી. પી. ડી .બી. વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તોલંબિયા, નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિ દ્વારા મતદારોને મતદાનની અપીલ કરાઇ છે.
કચ્છના ચૂંટણી તંત્ર તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ નોડલ સ્વીપ, યાદ સ્ટુડિયો, જેવી યુટ્યુબ પેનલ દ્વારા પણ આ ફિલ્મો જોઇ શકાય તેવી વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત સિનેમાઘરો દ્વારા પણ આ ફિલ્મો પ્રસારિત કરવામાં આવશે.