ગાંધીધામ ખાતે શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ પ્લાસ્ટિક મુક્ત ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા શિપિંગપ્રધાન અનેક કાર્યક્રમોમાં જોડાયા હતા. કંડલા બંદરે તૈનાત CRPFના જવાનોએ 'ગાર્ડ ઓફ ઓનર' સાથે એમને આવકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓ બોટ દ્વારા કંડલા બંદરે વહાણોની અવર-જવરની ગતિવિધિ તેમજ અલગ અલગ પ્રકારના કાર્ગો હેન્ડલ કરતી જેટીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
કચ્છમાં સાયકલ ચલાવી પર્યાવરણ જાગૃતિનો અપાયો સંદેશ, કેન્દ્રીય પ્રધાન પણ જોડાયા
કચ્છ: ગાધી જયંતિ નિમિત્તે ગાંધીધામના નગરજનોને ટ્રાન્સફર ફીમાં ધરખમ ઘટાડાની ભેટ આપનાર શિપિંગપ્રધાન મનસુખ માંડવીયા ત્રણ દિવસ માટે કચ્છની મુલાકાતે આવ્યા છે. શુક્રવારે સવારે ગાંધીધામ ખાતે તેઓએ સાયકલ રેલીમાં જોડાયા હતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. ઉપરાંત કંડલા બંદરે 10 કરોડના ખર્ચે બનાવાયેલા અદ્યતન ટ્રક ટર્મિનલનું લોકર્પણ કર્યું હતું.
શિપિંગપ્રધાન માંડવીયાએ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા પર ચાંપતી નજર રાખનાર VTMS (દરિયાઈ રડાર સિસ્ટમ)નું પણ નિરીક્ષણ કર્યું હતું. વેસલ ટ્રાફિક મોનીટરીંગ સિસ્ટમ દ્વારા કંડલા બંદરેથી પશ્ચિમી અરબી સમુદ્ર ઉપર 180 કિલોમીટરમાં વહાણોની અવર-જવર પર નજર રાખી શકાય છે. કચ્છના કંડલાથી સૌરાષ્ટ્રના નવલખી, વાડીનાર ઉપરાંત પાકિસ્તાનને જોડતી 'જખૌ'ની દરિયાઈ સીમા સુધી અવરજવર કરતા વહાણો આ દરિયાઈ રડારના નિરીક્ષણ હેઠળ રહે છે.
પર્યાવરણના રક્ષણ હેતુ સાથે કંડલા બંદર જોડાય તે માટે માંડવીયા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. કંડલામાં કેન્દ્રીય પ્રધાનનું ઉદ્યોગપતિઓએ સ્વાગત કર્યું હતું. આ પ્રવાસમાં તેમના પત્ની ગીતાબેન માંડવીયા પણ જોડાયા છે. ગીતાબેને વૃક્ષારોપણ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કંડલા પોર્ટના ચેરમેન એસ.કે. મેહતા (આઈએસએફ) તેમજ કંડલા પોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.