- મેઘમહેર થયા બાદ માંડવીના ટોપણસર તળાવમાં નવા નીર સાથે મોટા પ્રમાણમાં કચરો એકઠો થયો
- Secure Nature Societyના સભ્યો દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું
- લોકોને પણ સ્વચ્છતા જાળવવા અપીલ કરાઇ
કચ્છ : કચ્છ જિલ્લામાં ચાલુ સીઝનમાં 100 ટકાથી પણ વધારે વરસાદ વરસ્યો છે. ત્યારે અગાઉ દુષ્કાળની ભીતિ સેવાઈ રહી હતી, તેની વચ્ચે માંડવીમાં મેઘમહેરથી શહેરનું ટોપણસર તળાવ છલકાઈ જતા શહેરીજનોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. તળાવમાં આવેલા નવા નીરમાં માછલીઓનું પણ આગમન થયું, તેની સાથે હજારો કિલો પ્લાસ્ટિકનો કચરો પણ તણાઈ આવ્યો હતો. જે માંડવીના Secure Nature Societyના મેમ્બર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરીને દૂર કરવામાં આવ્યું હતું.
Secure Nature Societyના સભ્યો દ્વારા 79 જેટલી જગ્યાએ સફાઈ કરાઇ
માંડવી શહેરના Secure Nature Societyના સભ્યો દ્વારા દર રવિવારે કુદરતી સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે અને અત્યાર સુધીમાં આ સભ્યો દ્વારા 79 જેટલી જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી છે.અને આ ગ્રુપ સાથે અત્યાર સુધીમાં 1000 થી 2000 જેટલા લોકો આ કામમાં જોડાયા છે.
50થી વધુ સભ્યો જોડાઈને કચરાનો નિકાલ કર્યો
Secure Nature Societyના સભ્યો, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા, માંડવી નગર સેવા સદન અને બ્લૂ સ્ટાર વોટર સ્પોર્ટ્સએ સાથે મળીને એક મેગા સફાઈ અભિયાન હાથ ધરી ટોપણસર તળાવમાંથી ભારે માત્રામાં કચરો એકઠો કરીને તેનો નિકાલ કર્યો હતો. માંડવીના પ્રખ્યાત ટોપણસર તળાવ ખાતે યોજાયેલા આ સફાઈ અભિયાનમાં 50થી વધુ સેવાભાવી લોકો જોડાયા હતા.