- સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ-4 પ્લાન્ટ સ્થપાશે
- સી-વોટર ડી-સેલીનેશનના ભુમિપુજનની તૈયારીઓ
- કચ્છના ચાર તાલુકાઓને મળશે લાભ
કચ્છઃ માંડવી તાલુકાના ગુંદીયાલી ખાતે 15 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટનું ભુમિપુજન કરશે. આ સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટથી કચ્છના ચાર તાલુકાને પીવાનું મીઠું પાણી મળતું થશે. તેમજ પીવાનાં પાણી માટે કાયમી સ્ત્રોત ઉભો થશે. આ મહાત્વાકાંક્ષી પ્રોજેકટના ભુમિપુજનની માટેની તૈયારીઓ ચાલી રહી છે.
કચ્છના સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટથી ચાર તાલુકા પાણી માટે બનશે આત્મનિર્ભર કચ્છ સૌરાષ્ટ્રમાં કુલ ચાર પ્લાન સ્થાપાશે
રાજય સરકારે રાજય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ તેમજ નર્મદાના એક માત્ર પીવાના પાણીના સોર્સ પર આધારિત રહેવાને બદલે તેને સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સોર્સ ઉભો કરવાના હેતુથી ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયાકાંઠે આવેલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને પ્રજાને સ્થાનિક જળસલામતી આપવા વિવિધ સ્થળોએ જરૂરિયાત મુજબ દરિયાના ખારા પાણીમાંથી મીઠા પાણી બનાવવા માટેના ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાપવાનો અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે. દરિયાની સ્થાનિક અને વિપુલ જળરાશિ નિરંતર પ્રાપ્ય હોવાથી પીવાના પાણીનો કાયમી સ્ત્રોત ઉપલબ્ધ થશે. સરકાર દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના દરિયા કિનારાના વિવિધ-4 સ્થળોએ કુલ-4 સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાનિક વિસ્તારોની જરૂરિયાતોને ધ્યાને રાખી સ્થાપવા માટે નિર્ણય કર્યો છે. તેમજ તેના અમલીકરણની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
પ્લાન્ટ માટે પર્યાવરણીય મંજુરી બાકી
માંડવી તાલુકાના ગુંદીયાલી ગામે 100 એમએલટી (10 કરોડ લીટર), દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામે 70 એમએલટી (7 કરોડ લીટર), ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે 70 એમએલટી (7કરોડ લીટર) અને ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે 30 એમએલટી (3 કરોડ લીટર)ના સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટનો લાભ સ્થાનિકોને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થનારા માંડવીના ગુંદીયાલી સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ માટે જરૂરી પર્યાવરણ મંજુરીઓ મેળવ્યા બાદ કાર્યરત કરવામાં આવશે.
સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટનો લાભ
કચ્છના ચાર તાલુકા થશે લાભાન્વિત સાપુરજી પલુનજી અને કંપની પ્રા.લિ. અને એકવાટેક સિસ્ટમ એશિયા પ્રાઈવેટ લિ. જોઇન્ટ વેન્ચર સાથેના કન્સેશન કરાર દ્વારા પ્લાન્ટ આકાર પામશે. ગુંદીયાલી ખાતે રોજનું 10 કરોડ લીટર પીવાના પાણી દ્વારા ગુંદીયાલીથી હાલના પ્રવર્તમાન પાણી પુરવઠા ગ્રીડના નેટવર્ક સાથે જોડી કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા તથા નખત્રાણા તાલુકાના શહેરી, ગ્રામ્ય તથા ઔધોગિક વિસ્તારોના લાખો લોકોને પાઇપલાઇન દ્વારા સી-વોટર ડી-સેલીનેટેડ પાણી આપી શકાશે. તેમજ જળસલામતીમાં વધારો કરી શકાશે. આ સાથે ઉપરવાસના તાલુકાઓ જેવા કે, ભચાઉ, રાપર અને ગાંધીધામના વિસ્તારોમાં નર્મદાનું વધારાનું પાણી ફાળવવામાં આવશે.
રાજય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સમાતંર પીવાના પાણીનો સોર્સ મળતા વધુમાં એકમાત્ર પીવાના પાણીના સોર્સ નર્મદાના પાણી પરનું અવલંબન ઘટશે. કચ્છ દરિયા કિનારાના છેવાડાના ગામો શહેરોને પીવાના પાણી માટે સ્થાનિક સોર્સ આધારિત જળ સલામતી મળશે.