આ કાર્યક્રમ 31 માર્ચે યોજાશે અને તેમાં બોલીવુડના સોંગ સંસ્કૃતમાં સાંભળવાનો લહાવો મળશે કચ્છ : કચ્છ જિલ્લામાં વસતા સંસ્કૃતભાષી લોકો તથા સંસ્કૃત પ્રવૃત્તિઓ કરતી સંસ્થા માટે અત્યંત આનંદના સમાચાર છે. સંસ્કૃતભારતી, કચ્છ દ્વારા સંસ્કૃત લાઈવ ઈન કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને લોકો સરળતાથી સંસ્કૃત ભાષાના શ્લોકો, ગાયનો અને પાઠો સંસ્કૃતમાં સાંભળી શકે, બોલી શકે અને વાર્તાલાપ કરી શકે તે માટે પ્રોત્સાહિત થાય.
મૌખિક અભ્યાસથી જ સંસ્કૃત ભાષાને શીખી શકાય : સંસ્કૃત ભાષા એ મધુર ભાષા છે, શ્રેષ્ઠ ભાષા છે, દિવ્ય ભાષા છે, પ્રાચીન ભાષા છે એમ કહીને લોકો સંસ્કૃતની પ્રશંસા કરે છે; પરંતુ સંસ્કૃતની પ્રશંસા કરવાથી તેનો વિકાસ નહીં થાય. જો તમે સંસ્કૃત બોલશો અને દૈનિક જીવનમાં ઉપયોગ કરશો તો જ સંસ્કૃતનો વિકાસ થશે. સંસ્કૃત ભાષાનો અભ્યાસ સાંભળીસાંભળીને અને બોલીબોલીને જ થાય છે. પુસ્તક વાંચ્યા વિના, વ્યાકરણના નિયમો જાણ્યા વિના મૌખિક અભ્યાસથી જ સંસ્કૃત ભાષાને શીખી શકાય છે. આથી સંસ્કૃતમાં જ બોલવું જાઈએ.
બોલીવુડના પ્રસિદ્ધ હિન્દી ગીતોનો સંસ્કૃતમાં અનુવાદ સાંભળશે લોકો : 31મી માર્ચના શ્યામજી કૃષ્ણવર્માની પુણ્યતિથિ છે અને 30મી માર્ચના રામનવમી દિવસ છે ત્યારે કચ્છમાં સૌપ્રથમ વખત નવતરપ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને પ્રથમ વખત સંસ્કૃત ભાષામાં સંગીત પ્રેમી માટે કોન્સર્ટ યોજાશે. કચ્છના સંગીતપ્રેમી લોકો માટે અનેરો અવસર છે કે જે પ્રાચીન સંસ્કૃત ભાષા છે તે ભાષામાં સંસ્કૃતના પાઠો, શ્લોકો અને ભક્તિના ગીતો છે તેને માણી શકશે. આ ઉપરાંત વિશેષમાં બોલીવુડના પ્રસિદ્ધ હિન્દી ગીતો, ગુજરાતી લોકગીતો અને હિન્દી ભજનોના પણ સંસ્કૃત વર્ઝનમાં ગીતોના સૂર રેલાશે.
આ પણ વાંચો વિશ્વમાં પ્રથમ વાર સંસ્કૃત સંધિને સરળતાથી શીખવા સંધિગીતા તૈયાર
પ્રથમ વખત સંસ્કૃતમાં કોન્સર્ટ : ETV Bharat સાથે વાતચીત કરતાં સંસ્કૃત ભારતી પશ્ચિમ કચ્છ સંયોજક અમિતભાઈ ગોરે જણાવ્યું હતું કે, સંસ્કૃત લાઈવ ઈન કોન્સર્ટ કચ્છમાં પ્રથમવાર થવા જઈ રહ્યો છે. વિશ્વપ્રખ્યાત સંસ્કૃત ધ્રુવા બેન્ડથી પ્રેરણા લઈને આ આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં તો આવા કાર્યક્રમો થયા છે પરંતુ કચ્છમાં પ્રથમ વખત આવ્યું આયોજન કરવામાં આવી રહ્યું છે.
યુવાનો હવે સંસ્કૃત ભાષામાં માણશે કોન્સર્ટ :આજકાલનો જે યુથ છે તે સંગીત પ્રત્યે અનેરો આકર્ષણ ધરાવે છે.યુવાનો બોલીવુડ સિંગરોના કોન્સર્ટમાં ભાગ લેતા હોય છે ત્યારે યુવાનોને વધુ આકર્ષિત કરવા અને સંસ્કૃત અને સંગીતના ફ્યૂઝન સાથે સંસ્કૃત ભારતી આવી રહ્યું છે. સંસ્કૃતભાષા તો એકવાર આપણી બોલચાલની ભાષા હતી. એક રાષ્ટ્રનાં રૂપમાં બોલચાલની ભાષા રહી છે. એકવાર ફરી સંસ્કૃત ભાષાને બોલચાલની ભાષા બનાવવા માટે કેવળ ઇચ્છાશક્તિની આવશ્યકતા છે.ત્યારે કચ્છ જિલ્લામાં સંસ્કૃત ભાષાના જતન માટે સંસ્કૃતભારતી કચ્છ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે વદતુ સંસ્કૃતમ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે જેનો પ્રારંભ 25મી ડિસેમ્બરે માંડવી ખાતેના ક્રાન્તિતીર્થમાં ક્રાન્તિગુરુ પં. શ્યામજી કૃષ્ણવર્માના ચરણોમાં પ્રથમ પુસ્તકનું અર્પણ કરીને કરવામાં આવ્યો હતો.
લોકો સંસ્કૃત ભાષામાં ગીતો સાંભળીને નાચી ઉઠશે : સંસ્કૃત લાઈવ ઈન કોન્સર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃત કરવાનો તેમજ તેમને ચેતનવંતુ બનાવવા માટેનો છે.લોકો સંસ્કૃત જાણે છે પરંતુ એવો અહેસાસ નથી કરતા કે તેઓ સંસ્કૃત બોલી પણ શકે છે. સંસ્કૃત આપની ભાષા છે જે આપણે બોલી શકીએ છીએ.લોકો સંસ્કૃત કોન્સર્ટમાં આવ્યા બાદ લોકો સંસ્કૃત સ્ત્રોતો,બોલીવુડ ગીતોના સંસ્કૃત ભાષામાં અનુવાદ, વેદોની ઋચાઓ તેમજ સંસ્કૃતમાં પોપ સોંગ પણ સાંભળશે.લોકો સંસ્કૃત ભાષામાં ગીતો સાંભળીને નાચી ઉઠશે ઝૂમી ઉઠશે અને ત્યાર બાદ તેમને એમ લાગશે કે અન્ય ભાષાના કોન્સર્ટ ની જેમ સંસ્કૃત ભાષામાં પણ સાંભળીને આનંદ લેશે અને લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ વધશે.
આ પણ વાંચો સંસ્કૃતને ફરી વ્યવહારૂ ભાષા બનાવવા 1 લાખ સંસ્કૃતં વદતુ પુસ્તકનું વિતરણ
1500થી 2000 લોકો આ કોન્સર્ટનો લાભ લેશે :જો સિંગરની વાત કરવામાં આવે તો વિશ્વભરના લોકોને પોતાના કર્ણપ્રિય સૂરોથી કૃષ્ણભક્તિ લગાડનાર નંદલાલ છાંગા, પ્રગતીબેન મહેતા, ઉન્નતિબેન ઠાકરિયા, શેખરભાઈ ઠાકરિયા અને તેનો કોરસ ગ્રુપ અને સંગીતવાદકો તૈયારીઓ કરી રહ્યા છે. આ સંસ્કૃત લાઈવ ઈન કોન્સર્ટ ભુજમાં જ સાર્વજનિક સ્થળે સાંજે 5 થી રાત્રિના 8 વાગ્યા સુધી યોજાશે અને લોકો તેનો લાભ નિ:શુલ્કપણે લઈ શકશે. 1500થી 2000 લોકો આ કોન્સર્ટનો લાભ લેશે.જે લોકોને સંસ્કૃત ભાષા માટે પ્રેમ છે અને લોકો સંસ્કૃતને જાણવા માંગે છે તેવા લોકો માટે આ સંસ્કૃત લાઈવ ઈન કોન્સર્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.