કચ્છ :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર દર વર્ષે દિવાળી પૂર્વે અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દેશનાં કોઈ એક સ્થાન પર યોજાતી હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે ગુજરાત રાજ્યના ભુજ ખાતે 5, 6 અને 7 નવેમ્બરના રોજ ત્રણ દિવસ માટે આ બેઠક યોજાવા જઈ રહી છે.
અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક : અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકમાં સંઘના કાર્ય વિસ્તાર સહિતની બાબતો પર ચિંતન કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતનું 31 ઓક્ટોબરના રોજ સવારે ટ્રેન મારફતે ભુજ ખાતે આગમન થશે. ત્યારબાદ 8 નવેમ્બર સુધી તેઓ કચ્છમાં રહેશે. કુલ મળીને દેશભરમાંથી લગભગ 400 જેટલા કાર્યકરો, કચ્છી લેવા પટેલ સમાજ સરદાર પટેલ વિદ્યા સંકુલ-ભુજ ખાતે આ ત્રણ દિવસની બેઠકમાં ભાગ લેશે.
ત્રી-દિવસીય બેઠક : વિશ્વ સંવાદ કેન્દ્ર સૌરાષ્ટ્ર પ્રાંતની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આ બેઠકમાં સરસંઘચાલક ડો. મોહન ભાગવત, સંઘના પાંચ સહ-સરકાર્યવાહ તેમજ અખિલ ભારતીય કાર્યકારિણીના તમામ વિભાગના મુખ્ય કાર્યકર્તાઓ ઉપરાંત સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે પૂર્ણ સમય ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં અન્ય વિવિધ પ્રાંત અને ક્ષેત્રના ટીમના સદસ્યો સંઘચાલક, કાર્યવાહ અને પ્રચારક પણ બેઠકમાં હાજર રહેશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં કાર્યરત અખિલ ભારતીય સ્તરની જેમની જવાબદારી છે એવા પ્રચારકો પણ આ બેઠકમાં ભાગ લેશે.
મોહન ભાગવતની કચ્છ મુલાકાત : આ અગાઉ સરસંઘચાલક ડો. મોહન ભાગવતે એપ્રિલ 2023 માં ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. આ મુલાકાત અંતર્ગત કચ્છની પ્રજાને સંબોધન કર્યું હતું અને ભારતની સંસ્કૃતિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, નરનારાયણ દેવથી જ કચ્છની ઓળખાણ છે. ઉપરાંત કચ્છનું હિન્દુ સમાજ સારો, પાકો અને સાચો છે જેનું મહત્વ પૂરા વિશ્વમાં છે. તો અગાઉ ભારત દેશ સંપતિમાં અગ્રેસર હતું, ધાર્મિક બાબતોમાં આગળ હતું, ભારત દેશ જ્યાં જ્યાં ગયો ત્યાં તેણે અન્યોને સંસ્કૃતિ શીખવી, સંસ્કારો શીખવ્યા અને આજે તમામ વિદેશી દેશો ભારત દેશ સામે નતમસ્તક થયા છે, તેવું મોહન ભાગવતે જણાવ્યું હતું.
- Mohan Bhagwat In Surat : દહન અને દફનની પરંપરા છોડી અંગદાન કરો, આ દેશભક્તિ છે - મોહન ભાગવત
- Mohan Bhagwat: "ભારત સમાજથી ઘડાશે, સબળ સમાજ નહિ હોય તો કંઈ નહિ થાય"