RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આજથી શરૂ કચ્છ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આજથી શરૂ થઈ હતી. આ બેઠકનું આયોજન શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, ભુજ સ્થિત સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું છે. સભાની શરૂઆતમાં સરસંઘચાલક ડો. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે દ્વારા ભારત માતાના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.
વિવિધ વિષયો પર ચર્ચા: આ બેઠકમાં સંઘ શતાબ્દીની દ્રષ્ટિએ, કાર્યવિસ્તાર માટે બનાવેલ યોજનાની સમીક્ષા કરવામાં આવશે અને સંઘ પ્રશિક્ષણ અભ્યાસક્રમના વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, આદરણીય સરસંઘચાલકજીના વિજયાદશમીના સંબોધનમાં ઉલ્લેખિત વિષયો - પ્રકૃતિ વિરુદ્ધ જીવનશૈલી, વિશ્વ પર આબોહવા પરિવર્તનની અસર, સુરક્ષા, સ્વઆધારિત યુગાનુકૂલ નીતિ વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવશે. સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, ગૌસેવા, ગ્રામ વિકાસ અને અન્ય ગતિવિધિઓમાં ચાલી રહેલા પ્રયાસોની પણ માહિતી લેવામાં આવશે. આ બેઠક 7મી નવેમ્બરના સાંજે 6 કલાકે પૂરી થશે.
RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-પ્રચારક વડા નરેન્દ્ર કુમાર ઠાકુરે માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશ અને સમાજ માટે વિશેષ યોગદાન આપનાર અને તાજેતરના ભૂતકાળમાં અવસાન પામેલ તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મુખ્યત્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક, રંગાહારી, મદનદાસ દેવી, જયંત સહસ્રબુદ્ધે , હરિભાઉ વઝે અને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના લોકો જેમ કે પ્રખ્યાત પત્રકાર વેદપ્રતાપ વૈદિક, પ્રખ્યાત ચિંતક-લેખક તારેક ફતેહ, સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક ડો. બિંદેશ્વર પાઠક, ભૂતપૂર્વ ક્રિકેટર બિશનસિંહ બેદી, ભૂતપૂર્વ સૈનિક સેવા પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને સ્થાપક સભ્ય કમાન્ડર બાલકૃષ્ણ જયસ્વાલ, ઉત્તરાખંડના આંદોલનકારી અને મહિલા આયોગના અધ્યક્ષા સુશીલા બલુની, પદ્મ ભૂષણ એન. વિઠ્ઠલ-આઈએએસ સહિતનાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ ઉપરાંત તાજેતરમાં નેપાળમાં આવેલા ભૂકંપમાં દિવંગત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તાજેતરમાં ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, નાગપુરમાં આવેલા પૂર અને તેનાથી પ્રભાવિત સમાજના વિવિધ લોકો માટે સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલી મદદ અને સેવાકીય કાર્યો વિશે માહિતી આ બેઠકમાં આપવામાં આવી હતી.
- Mahadev App Scam : મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખે CM ભૂપેશ બઘેલ પર નિશાન સાધ્યું
- Tejashwi Yadav Defamation case : તેજસ્વી યાદવે માનહાનિ કેસ ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી