ભુજના કુકમા ગામમાં ગાયના છાણમાંથી તૈયારી થતી રાખડીની ડિમાન્ડ કચ્છ : ભાઈ બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન. જેને ઉજવવા બહેનો પોતાના ભાઈ માટે અગાઉથી જ અવનવી રાખડીની ખરીદી કરી લે છે. આ પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રક્ષાબંધન માટે પવિત્ર ગણાતા ગાયના છાણમાંથી તૈયાર થતી રાખડીઓની માંગ આ વખતે વધી ગઈ છે. કચ્છના શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગ્રામોદ્યોગ અંતર્ગત ગોબરમાંથી ખાસ રાખડીઓ તૈયાર કરવામાં આવે છે.
અવનવા આકારમાં રંગબેરંગી રાખડીઓ તૈયાર કરે છે વોકલ ફોર લોકલ :દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વોકલ ફોર લોકલના નારાને પ્રાધાન્ય આપી સ્થાનિક ઉત્પાદન કરતી ચીજ વસ્તુઓના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તે અનુસાર ચાઈનીઝ અને પ્લાસ્ટિકની રાખડીના ચલણ સામે ગાયના મહત્વ સમજાવવા ગાયના છાણમાંથી રાખડી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આજે છઠ્ઠા વર્ષે આ રાખડીની માંગ ખૂબ વધી ગઈ છે અને તેના કાર્યમાં કારીગરો સતત જોતરાયેલા રહે છે.
95 ટકા ગોબર એટલે કે, ગાયનું છાણ અને બંધારણ માટે પાંચ ટકા ગોવાર ગમનો ઉપયોગ કરાયો છે. સાથે હળદર ઉમેરાઈ છે વધારામાં આ ઓર્ગેનિક રાખડી બનાવવા માટે તુલસીના માંજર ભેળવવામાં આવે છે. ગાયના છાણમાં હકારાત્મક ઊર્જા હોય છે તેવું હવે વિજ્ઞાને પણ સ્વીકારી લીધું છે. આ તથ્ય વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ ચૂક્યું છે. ઘરોમાં એક જમાનામાં જમીનમાં છાણ-માટીના લીંપણ થતા. આજે ટાઈલ્સે સ્થાન પચાવી પાડ્યું છે. લીંપણ માનવ સ્વાસ્થ્યની સુરક્ષા કરતું કવચ હતું. - શૈલેન્દ્રસિંહ જેઠવા (રામ કૃષ્ણ ટ્રસ્ટ કુકમા)
ગોબરમાંથી અન્ય હસ્તકલા કૃતિઓ :ઘરમાં ટીવી, મોબાઈલ, ચાર્જર, કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના તરંગો માનવ આરોગ્યને ધીમા ઝેરની જેમ ધીમી ગતિએ પણ નુકસાન કરતા હોય છે, ત્યારે ગાયના છાણનું લીંપણ આવા હાનિકારક તરંગોને રોકીને તેની નુકસાનકારક અસરોથી બચાવે છે. રાખડી ઉપરાંત અહીં છાણના તોરણ, ઘડિયાળ, અરીસા, શોપીસ, ગણપતિની મૂર્તિ, પેન સ્ટેન્ડ વગરે હસ્તકલા કૃતિઓ પણ બનાવાય છે. રાખડી માટે ગાયના છાણનો માવો બનાવવો પછી તેને આકાર આપવો, પછી સૂકવવો, મશીનથી ફિનિશિંગ કરીને અંતિમ ઓપ આપવાની કવાયત ભારે મહેનત અને દાદ માગી લેનારી છે.
ભુજ તાલુકાના કુકમા ગામ ખાતે આવેલા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 7 વર્ષથી ગાયના ગોબરમાંથી વૈદિક રાખડી બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. હિન્દુ ધર્મમાં ગાયનું ધાર્મિક દ્રષ્ટિએ તો મહત્વ રહેલુ જ છે, પરંતુ સાથે સાથે વૈજ્ઞાનિક રીતે પણ ગાય અને ગાયના દૂધ તેમજ તેમાંથી બનતી અન્ય વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકરી હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે ન માત્ર ગાયનું દૂધ પરંતુ ગૌ મૂત્ર અને ગાયના છાણ પણ ફાયદાકારક છે. રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગૌ સંવર્ધન અને ગૌવંશનો માહત્મ્ય વધારવાના હેતુ સાથે વૈદિક રાખડીની રચના કરવામાં આવી છે. આ વખતે 6000 જેટલી અવનવા આકરની રંગબેરંગી રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ રાખડીઓમાંથી સકારાત્મક ઉર્જા પણ મળે છે. - મનોજ સોલંકી (મેનેજીંગ ટ્રસ્ટી, રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમા)
ગાયનો માહાત્મ્ય વધારવાનો ઉદ્દેશ્ય : માનવ શરીરને ઊર્જા આપતા ગાયનાં છાણની રાખડી ઊર્જાદાયી છે અને રેડિયેશન દૂર કરે છે. આ રાખડી પાછળનો ઉદ્દેશ્ય ગાયના છાણનો ઉપયોગ વધુ કરવાનું અને જનજાગૃતિ લાવવાનો છે. રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજ સોલંકી અને વિનોદ સોલંકી ગાયના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ હોય છે. કુકમા અને આસપાસના ગામની મહિલાઓ આ છાણની રાખડી, રમકડા, હસ્ત કલાકૃતિઓમાં રંગ પૂરવાની કલાત્મક કામગીરી કરે છે. તો આ રાખડીઓ દેશની સરહદે રખોપા કરતા જવાનોને પણ આ રાખડીઓ મોકલાશે. આમ આ સંસ્થા વડાપ્રધાનના વાક્ય વોકલ ફોર લોકલને સાથર્ક કરે છે ને સાથે જ ગૌસવર્ધનનું કાર્ય પણ કરે છે.
- Raksha Bandhan 2023: રક્ષાબંધન પૂર્વે રેઝિનમાંથી બનતી રાખડી આર્થિક ઉપાર્જનનું બન્યું માધ્યમ, દુબઈથી મળ્યો ઓર્ડર
- Bhavnagar News : ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુઓએ બનાવે છે પોતાની સુઝબુઝથી રાખડીઓ, જૂઓ વિડિયો...
- ભારત પાકિસ્તાનના ભાગલા પછી ભાઇ બહેન મળશે, બહેન પાસે બંધાવશે રાખડી