ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવાથી 2ના મોત - Rainfall

કચ્છઃ વરસાદની તીવ્રતાથી ઝંખતા કચ્છમાં સતત બીજા દિવસે પણ વરૂણદેવે સરેરાશ એકથી બે ઈંચ વ્હાલ વરસાવી ધરતીપુત્રો અને માલધારીઓને ધરપત આપી છે. જો કે, પંથકમાં વીજળી પડતા 2 યુવકોના મોત થયા હતા.

કચ્છમાં મેઘરાજાની પધરામણી

By

Published : Jul 22, 2019, 7:00 PM IST

Updated : Jul 22, 2019, 7:41 PM IST

અબડાસા તાલુકાના નલિયા, ભાનાડા, કોઠારા, વરાડીયા, સુથરી, ભેદી, વાંકુ સહિતના ગામોમાં ડરામણી ગાજવીજ સાથે એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. લખપતના દયાપર સહિતના આસપાસના ગામોમાં પણ ઝાપટું વરસતાં ઠંડક પ્રસરી ગઈ હતી. નખત્રાણામાં ગાજવીજ સાથે તેમજ તાલુકાના નાગવીરી, કોટડા જડોદર, મથલ, રવાપર, મુરુ, આમારા, ઐયર વગેરે ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધીમી ધારે તો, ક્યાંક સાંબેલાધાર વરસેલાં મેઘરાજાએ દોઢથી બે ઈંચ જેટલું પાણી વરસાવી દીધું હતું.

કચ્છમાં મેઘરાજાની પધરામણી, અપુરતા વરસાદ વચ્ચે વિજપ્રપાતથી બેના મોત

વરસાદ દરમિયાન અંજાર તાલુકાના ભીમાસર ગામે વીજળી પડતાં 32 વર્ષીય અજયકુમાર રાય નામના યુવકનું મૃત્યુ થયું હતું. મૃતક અજય મૂળ બિહારનો રહેવાસી હતો. વીજળી પડતા ગંભીર રીતે દાઝી જતાં યુવકને આદિપુરની જૈન સેવા સમિતિ હોસ્પિટલે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ અબડાસાના સાંધણ વાડી વિસ્તારમાં આકાશી વીજળી પડતાં પંચમહાલના ચાડવા ગામનાં વતની 20 વર્ષીય ખેતમજૂર યુવક સંજય નાયકનું પણ મૃત્યુ થયું હતું. મૃતક સંજય સાંધણમાં રફીક સોરાની વાડીમાં
પરિવારજનો સાથે ભાગીદારીમાં ખેતમજૂરી કરતો હતો. એકાએક વરસાદ તૂટી પડતાં યુવક ઝુંપડીને તાલપત્રી ઢાંકતો હતો, ત્યારે આકાશી વીજપ્રપાતે તેનો ભોગ લીધો હતો.

કચ્છમાં બેના મોત અને અધુરા વરસાદ વચ્ચે હજુ ગરમીનો પારો અસહ્ય છે. ભૂજમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ છે. અકળામણ, બફારા અને ગરમી વચ્ચે કચ્છીજનો સેકાઈ રહ્યા છે. ખાસ કરીને ભૂજ શહેર હજુ સુધી વરસાદમાં પણ કોરું રહ્યું છે.

Last Updated : Jul 22, 2019, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details