વિદ્યાર્થીઓની રજૂઆત છે કે, અન્ય કોલેજો ની સરખામણીએ તેમને અન્યાય થઈ રહ્યો છે,ગુજરાતની મેડિકલ કોલેજોમાં 10 હજાર લઈને 13 હજાર સુધી સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. જ્યારે અદાણી મેડિકલ કોલેજમાં માત્ર 4000 રૂપિયા સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવે છે જેને લઈને અદાણી મેડિકલ કોલેજ ના તાલીમી ડોક્ટરો સ્ટાઇપેન્ડ વધારાને લઈને વિરોધમાં ઉતર્યા હતા. જ્યાં સુધી તાલીમી તબીબોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી તબીબો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
અદાણી મેડિકલ કોલેજના તાલીમી ડૉક્ટરો સ્ટાઇપેન્ડ વધારા મુદ્દે ઉતર્યા હડતાલ પર
કચ્છ: કચ્છના પાટનગરમાં આવેલી અને ખાનગી અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત સિવિલ હોસ્પિટલમાં અદાણી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ કોલેજના તાલીમ તબીબો આજે અચાનક હડતાલ પર ઉતરી ગયા હતા. મેનેજમેન્ટ દ્વારા તબીબોને માત્ર 4000 રૂપિયા સ્ટાઈપેન્ડ અપાય છે. જ્યારે બીજી તરફ તાલીમી ડોક્ટરને હોસ્ટેલ કેન્ટીન સહિત 8000 થી વધુનો ખર્ચ આવે છે જેને પગલે આ હડતાળનો માર્ગ અપનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 2011માં પણ વિદ્યાર્થી બેન્ચ દ્વારા વિરોધ કરાયો હતો. ત્યારે 1000 જેટલું સ્ટાઈપેન્ડ વધારી દેવાયું હતું પરંતુ લાખો રૂપિયા ફી ભરવા છતાં પણ વિદ્યાર્થીઓને વધારાનો ખર્ચ ભોગવવો પડી રહ્યો છે જે મામલે વિદ્યાર્થીઓએ અદાણી મેનેજમેન્ટ આવેદનપત્ર પાઠવાયું હતું.અને વિરોધ પણ કરાયો હતો, તેમ છતા આ મામલે કોઈ નિર્ણય નહીં લેવામાં આવતા આખરે ઇમર્જન્સી સિવાયની તમામ કામગીરી તબીબો દ્વારા બંધ કરી દેવામાં આવી છે.તો બીજી તરફ મેનેજમેન્ટે માંગણી સંદર્ભ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી નિર્ણય લેવા જણાવ્યું હતું.