કચ્છમાં તંત્રની કામગીરી સામે ઉઠતા સવાલો, માહિતી છુપાવવા તમામ સંપર્ક પર સંચારબંધીની સ્થિતી - કચ્છ જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી
કચ્છમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હોવાથી લોકોને હાશકારાનો અનુભવ થયો છે, બીજી તરફ તંત્રની કામગીરી અને વિગતો છુપાવવા સામે શંકાઓ પણ પેદા થઈ રહી છે. છેલ્લા બે દિવસમાં બહાર આવેલા કેસની હિસ્ટ્રી આપવાનું બંધ કરવા સાથે તંત્રએ સેમ્પલ અને ટેસ્ટ અંગેની જાણકારી પણ આપવાનું બંધ કરી દીધું છે. આ વચ્ચે શરૂઆતથી માધ્યમોને માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી સોશ્યિલ મીડિયાના વિવિધ ગ્રૃપોમાથી પણ લેફટ થઈ ગયા છે. આમ તંત્રની આંતરિક લડાઈ વચ્ચે કોરોના મહામારીમાં ચોકકસ વિગતો છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યાંનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે.
કચ્છ : તંત્રએ સતાવાર રીતે જણાવ્યું છે કે, જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. બીજી તરફ આરોગ્ય વિભાગ તરફથી સેમ્પલ લેવા સહિતની વિવિધ કામગીરીની વિગતો પણ અપાઈ નથી. જયારે અગાઉ પોઝિટિવ આવેલા અને તેમના સંપર્કમાં આવેલા તથા શંકાસ્પદ દર્દીઓની માહિતી પણ આપવાનું બંધ કરી દેવાયું છે. સતત જાણકારી માટે પ્રયાસ છતાં પણ કોઈ જ અધિકારીનો સંપર્ક શકય બનતો નથી. આ વચ્ચે આ તમામ જાણકારી છુપાવાઈ રહ્યાનો સૂર લોકોમાં જોવા મળી રહ્યો છે.
જે દરમિયાન શરૂઆતથી જ માધ્યમોને વિવિધ જાણકારી સોશ્યિલ મિડિયા મારફતે સતાવારા રીતે આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નર વિવિધ મીડિયા ગ્રૃપમાથી લેફટ થઈ ગયા છે. તેઓ સ્પષ્ટ રીતે એમ કહી રહ્યાં છે કે, માહિતી માટે જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક સાધવો, બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક શકય બનતો નથી. તો તેમની કચેરી સાંજ પડતા જ પોઝિટિવ કેસની માહિતી આપે છે, તેના સિવાય પોઝિટિવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી, કયાંથી ચેપ લાગ્યો, તેના પછીની કામગીરી, કેટલા દર્દી દાખલ છે, કેટલા દર્દીને રજા અપાઈ , શંકાસ્પદ દર્દી કેટલા, નવા શંકાસ્પદ દર્દી કેટલા, કેટલા સેમ્પલ લેવાયા ,કેટલા સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે. સહિતના વિવિધ સવાલોના કોઈ જ ઉત્તર મળતા નથી. આમ તંત્રની કામગીરી શંકાપ્રેરક બની છે. જેને પગલે ડરના માહોલમાં રહેલા નાગરિકો માહિતી અધિકારીના યુગમાં સત્ય અને સતાવાર માહિતીથી વંચિત થઈ ગયા છે. આ પછવાડે અધિકારીઓ અહમ અને આંતરિક નારાજગી મુખ્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.