પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ ભુજમાં RTO સર્કલ મધ્યેના કતિરા કોમ્પ્લેક્સમાં શ્રીજી ઓટો એડવાઇઝર નામની ઓફિસમાં સરકારે PUC સેન્ટરની માન્યતા ન આપી હોવા છતાં અમદાવાદથી PUC નામનું સોફટવેર તૈયાર કરાવી મહાશક્તિ એન્ટરપ્રાઇઝ-મુંદરાના નામનો ખોટો રબ્બર સ્ટેમ્પ (સિક્કો) તથા ખોટાં ફોર્મ છપાવી વાહનચાલકો તેમજ એજન્ટોને બનાવટી PUC સર્ટિફિકેટ અપાતા હોવાનો પર્દાફાશ બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.
કચ્છમાંથી બોગસ PUCનું કૌભાંડ ઝડપાયું
કચ્છઃ ભૂજ અને મુંદરા તાલુકાના ભૂજપુર ગામમાંથી પોલીસે બોગસ PUC સેન્ટર પકડી પાડયા હતા. ટ્રાફિકના નવા નિયમમાં આકરા દંડથી બચવા PUC કઢાવવા માટે વિવિધ સેન્ટરોમાં કતારો લાગી રહી હતી, ત્યારે આ તકનો લાભ લઇ કમાવા અર્થે તકવાદી, પરવાના વિનાના, ખોટા PUC સેન્ટર ખોલી રોકડી કરી રહ્યાનું કૌભાંડ બહાર આવતા ચકચાર જાગી છે.
DYSP બી.એમ.દેસાઇ અને LCB ના ઇન્ચાર્જ PI ઔસુરાએ જણાવ્યું હતું કે, મળેલી બાતમીના આધારે ભુજમાં ચાલતું PUC કૌભાંડ બહાર આવ્યું હતુ. જેમાં જિજ્ઞેશ કનુભાઇ વ્યાસ પોતાના કબ્જાની શ્રીજી ઓટો એડવાઇઝર નામની ઓફિસમાં ગેરકાયદેસર PUC સેન્ટર ચલાવતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. તથા જિજ્ઞેશ અને તેની પાસે કામ કરતા શાહનવાઝ મહમદ સુમરાનેય પોલીસે રૂપિયા 1,20,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.
આ ડુપ્લિકેટ PUC સેન્ટરમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનો કિંમત રુપિયા 55,000, મોબાઇલ ફોન બે કિંમત રુપિયા 10,000, રોકડ રુપિયા 55,000 તેમજ કોરા ફોર્મ અને ખોટા બનાવેલા ફોર્મ નંગ 102નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ ઉપરાંત મુંદરાના મહાશકિત એન્ટરપાઈઝ નામના પ્રમાણિત સેન્ટરના બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરીને ભૂજપુર ગામમાંથી રિદ્ધી ઓટો એડવાઈઝર નામે બોગસ PUC આપતા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે આરોપીનું નામ સ્પષ્ટ થયું નથી, કારણ કે પોલીસના તમામ કાગળોમાં માત્ર રિદ્ધિ ઓટો એડવાઈઝરના સંચાલક દર્શાવ્યા હતા. તપાસશીન ફોજદાર લિમ્બાચીયા કામગીરીમાં વ્યસ્ત હોવાથી નામ જણાવી શકયા નહોતા.