- પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસમાં સતત ભાવ વધારાને લઈને વિરોધ
- રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વિરોધ કરાયો
- કાર્યકરો દ્વારા ઊંટગાડી સાથે વિરોધ પ્રદર્શન કરતી રેલી કાઢવામાં આવી
કચ્છઃ સમગ્ર દેશમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી જેથી સરકાર દ્વારા રાહત આપવામાં આવે તેવી માંગ કરાઇ છે. ભૂજના ટાઉનહોલ વિસ્તારથી શહેરના જ્યુબિલી સર્કલ સુધી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરોએ પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસમાં સતત ભાવ વધારો ( Hike in petrol diesel price) થઇ રહ્યો છે તે સંદર્ભે ઊંટગાડી સાથે વિરોધ પ્રદર્શન કરતી રેલી કાઢવામાં આવી હતી.
ભાવ વધારાને અંકુશમાં રાખવામાં આવે તેવી માગ
દેશમાં કોરોના મહામારીના કારણે ધંધા-રોજગારો પડી ભાંગ્યા છે. સતત લોકડાઉન ના કારણે ગરીબ, મધ્યમવર્ગના લોકોની નોકરી ગુમાવી ચુકયા છે, બેરોજગારી ચ૨મસીમાએ પહોંચી ગયેલ છે, કોરોના મહામારીમાં અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવી ચુકયા છે. લોકો પાસે એક ટક ખાવાના વાંધા પડી ગયા છે. આવી પરિસ્થિતમાં સમગ્ર દેશમાં મોંઘવારી પણ ચરમસીમાએ પહોંચી છે. આ ભાવ વધારો છે તેને અંકુશમાં રાખવામાં આવે તેવી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરોની માગ છે.
મોંધવારીના માર સામે સામાન્ય માણસ આત્મહત્યા કે આત્મવિલોપન કરવા મજબૂર બનશે
કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય, ગરીબ લોકો મોંધવારીના માર સામે આત્મહત્યા કે આત્મવિલોપન કરવા મજબૂર થશે તેવી નોબત સામે આવશે તથા પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમા રાજય સરકાર અને કેન્દ્ર સરકારનો મૂળ ભાવ કરતા વધુ ટેક્સ પ્રજા પાસે વસૂલવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તો એ ટેક્સ ઘટાડો કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી જેથી ગરીબ, મધ્યમવર્ગની પ્રજાને રાહત થાય.