કચ્છમાં નર્મદાના મુદ્દે રાજકારણીઓ વચ્ચે જ રાજકારણ શરૂ, વિવાદ વધુ વકરવાની વકી - પાણી પર રાજકારણ
તારાચંદ છેડાએ એક પત્રમાં રાજ્ય સરકારની ઈચ્છા શકિતને કેન્દ્રમાં રાખીને વડાપ્રધાન સમક્ષ કચ્છના નર્મદાના પાણીના મુદ્દે રજૂઆત કરી છે. જેના પગલે ભાજપના કચ્છના સાંસદ, ધારાસભ્ય નેતાઓ એકતરફ અને છેડા બીજીતરફ આવી ગયાં છે. ભાજપના કોઈ નેતાએ પોતાના ટીપ્પણી આપી નથી. ત્યારે ઈટીવી ભારતે તારાચંદ છેડા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકરણને દૂર રાખીને હવે ઉકેલની દિશામાં કામ થવું જોઈએ.
ભૂજઃ સુકા અને સરહદી મુલ્ક કચ્છમાં પાણી પ્રાણપ્રશ્ર છે અને નર્મદા જીવાદોરી છે. આ મુદ્દે વરસોથી રાજકરણ રમાય છે પણ હવે આ મુદ્દે રાજકરણ રમાનારાઓ જ કુંડાળામાં આવી ગયાં છે. કચ્છના પીઢ આગેવાન અને પૂર્વ રાજયપ્રધાન તારાચંદ છેડાએ નર્મદાનું પાણી પહોંચાડવાને મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્રભાઈના કાર્યકાળ અને ત્યારબાદ આનંદીબહેનના કાર્યકાળ દરમિયાન જ નર્મદા નહેરનું કામ થયું હોવાનું અને વર્તમાન સરકારમાં રાજકીય ઇચ્છશક્તિનો અભાવ હોવાથી અત્યારે કચ્છમાં નર્મદાનું કોઈ કામ થતું ન હોવાનું જણાવ્યું છે. સાથે રાજય સરકારને જરૂરી સૂચના આપવા રજૂઆત કરી છે.