- કચ્છ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો
- વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી અનેક પરિવાર બરબાદ થયા
- 4 મહિના પહેલા મંગવાણાના એક યુવાને પણ કર્યો હતો આપઘાત
- પોલીસે મંગવાણાના યુવાનના આપઘાત કેસમાં 4 મહિના પછી ફરિયાદ નોંધી
- એક મિત્રએ બીજા મિત્રને સાક્ષી રાખી વ્યાજખોર પાસેથી પૈસા લીધા, પૈસા લેનાર ફરાર
કચ્છઃ એક તરફ કોરોનાના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ બગડી હતી. ત્યારે કચ્છ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. જિલ્લામાં 4 મહિના અગાઉ મંગવાણાના યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. જોકે, પોલીસે આખરે 4 મહિના પછી આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો-રાજકોટના કુખ્યાત વ્યાજખોર અને ભૂમાફિયા ભૂપત ભરવાડનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું
વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સાક્ષીએ આત્મહત્યા કરી
આ અંગે મળતી માહિતી અનુસાર, અંજાર તાલુકાના મેઘપર (બોરીચી) ખાતે રહેતા મૂળ નખત્રાણા તાલુકામાં આવેલા મંગવાણા ગામના રમેશ ચારણના મિત્ર દિપક માલીએ એપ્રિલ મહિનામાં અંજારના શામરા ગઢવી પાસેથી વ્યાજે નાણા લીધા હતા, પરંતુ નાણા મેળવનારો દિપક માલી ફરાર થઈ ગયો હતો અને વ્યાજે પૈસા ચૂકવી શકયો નહતો.
આ પણ વાંચો-બારડોલીઃ 'બે દિવસમાં પૈસા નહીં આપે તો તું ગયો' કહી વ્યાજખોરે પંચરવાળાને માર્યા લાફા
વ્યાજખોરો સાક્ષી પાસેથી ધાકધમકીથી વ્યાવ વસૂલતા હતા
નાણાં ઉધાર આપનારે અલગ અલગ નોટરીના લખાણમાં દિપક માલીની સાથે રમેશભાઈની સાક્ષી તરીકે સહીઓ મેળવી હતી. વ્યાજખોરો દિપક માલીએ લીધેલા નાણાના વ્યાજની રકમ રમેશભાઈ પાસેથી ધાકધમકી કરી વસૂલતા હતા આખરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને રમેશભાઈએ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ વ્યાજખોરોએ ગાડીઓ, દાગીના, ખેતર, મકાન પણ પડાવી લીધા હતા.
મૃતકના પત્નીએ પશ્ચિમ કચ્છ SPને રજૂઆત કરતા ફરિયાદ નોંધાઈ હતી
આ બનાવને 4 મહિના વીત્યા પછી પણ ત્રાસ આપનારા વ્યાજખોરો સામે કોઈ ફરિયાદ નોંધવામાં ન આવતા 4 દિવસ પહેલા મૃતકના પત્નીએ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંહ સમક્ષ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા માગ કરી હતી. આ કેસમાં એસપીએ ત્વરિત પગલાં લેતા ગુનો નોંધાયો છે. અંતે પરિવારે પોલીસ વડાની કચેરીમાં ધા નાખતા નખત્રાણા પોલીસે અંજાર અને આદિપુરના શખ્સો સામે નાણાં ધીરનાર અધિનિયમ અને આપઘાત માટે મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
અંતે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
મૃતક રમેશભાઈના પત્ની ભારતી ચારણની રજૂઆત બાદ ગઈકાલે નખત્રાણા પોલીસે ફરિયાદ નોંધી હતી, જેમાં આરોપી શામરા ગઢવી અને આદિપુરના દિપક માલી સામે ફરિયાદ લખાવી છે, જે મુજબ આરોપીઓએ ફરિયાદીના પતિને નાણાં વ્યાજુકા ધીરાણ કરવા બાબતેની લેવડદેવડ અંગે નાણાં ચૂકવી આપવા ત્રાસ ગુજારી ફરિયાદીના પતિને મરવા માટે મજબૂર કર્યા હતા. આથી આરોપીઓ સામે આઈપીસી કલમ 306, 114, 506, એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) (આર), 3 (2), 5 એ) તથા ગુજરાત નાણાં ધીરનાર કરનારા અધિનિયમ 2021ની કલમ 33 મુજબ ફરિયાદ નોંધાઈ છે.
વ્યાજખોરીના દુષણને ડામવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો
ઉલ્લેખનીય છે કે, આજે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરોના વ્યાજખોરીના દૂષણને ડામવા માટે તથા કૂટુંબીજનોને બરબાદીથી બચવા તેમ જ વ્યાજની બદીને નાબૂદ કરવા લોક દરબાર યોજવામાં આવ્યું હતું, જેમાં 17 જેટલી અરજીઓ વ્યાજખોર વિરુદ્ધની આવી હતી. આ ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા તમામ વ્યાજખોરો સામે ગણતરીના કલાકોમાં ગુનો નોંધવા તથા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટેનો આદેશ પણ કરવામાં આવ્યો હતો.