કચ્છ :કચ્છમાં શિયાળાની શરૂઆત થઈ છે અને ખેડૂતોએ પણ રવી પાકની વાવણી કરેલ છે. ત્યારે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 30182 હેક્ટરમાં રવીપાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં મુખ્યત્વે ઘઉં, ઘાસચારો, રાઈ, જીરું, ધાણા, વરિયાળી, શાકભાજી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
30,182 હેક્ટરમાં રવી પાકોનું વાવેતર : કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે 100 ટકાથી પણ વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે કચ્છના ખેડૂતોએ શિયાળાની ઋતુમાં રવીપાકોનું ઉત્પાદન સારા પ્રમાણમાં થશે તેવી આશાથી જુદાં જુદાં રવીપાકોનું વાવેતર કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં જિલ્લા ખેતીવાડી કચેરીથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 30,182 હેક્ટરમાં રવીપાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
13220 હેક્ટરમાં રાઈનું વાવેતર :કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ મુજબ 166488 હેક્ટરમાં વાવેતર થતું હોય છે. જેમાં આ વર્ષે સૌથી વધારે 13220 હેક્ટરમાં રાઈનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યાર બાદ 7320 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે. જ્યારે ઘઉંનું 4093 હેક્ટરમાં જ વાવેતર થયેલું છે. તો આગામી સમયમાં જુવાર અને મકાઈના પાકનું વાવેતર કરવામાં આવશે. જિલ્લામાં 2280 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે.
સૌથી વધુ કયો પાક લેવાય છે : સામાન્ય રીતે 1,66,488 હેક્ટરમાં રવી પાકોનું વાવેતર થતું હોય છે. કચ્છ જિલ્લામાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ રવી પાકો અંગે વાત કરવામાં આવે તો દર વર્ષે કચ્છના ખેડૂતો દ્વારા શિયાળા દરમિયાન રવીપાકોમાં ઘઉં, જુરું, રાઈ, ધાણા, લસણ, ઘાસચારો, જુવાર, મકાઈ જેવાં પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે. 1,66,488 હેક્ટરમાં વાવેતર થતું હોય છે તેેમાં સૌથી વધારે રાઈ, ઘઉં, જીરુંના પાકોનું વાવેતર થતું હોય છે.