કચ્છ :બિપરજોય વાવાઝોડા દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી પગલાં ભર્યા હતા. વહિવટી તંત્ર દ્વારા NDRF ટીમ, વિવિધ કેન્દ્રીય બચાવ અને રાહત એજન્સીઓ તથા ગુજરાત સરકારની વિવિધ વહીવટી ટીમો દ્વારા રાઉન્ડ ધ કલોક તૈનાત કરવામાં આવી હતી. વાવાઝોડા દરમિયાન સરકારી અધિકારીઓ, પોલીસ સ્ટાફ, સેવાભાવી સંસ્થાઓ તથા સ્થાનિક આગેવાનોએ પણ પોતાની ફરજનિષ્ઠા દાખવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સરકારના તમામ પ્રધાનો પણ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રીતિ શર્માની ફરજનિષ્ઠા : જડબેસલાક પૂર્વતૈયારીઓ અને સૂઝબૂઝથી ભર્યાં આયોજનને કારણે વાવાઝોડા દરમિયાન એકપણ માનવ મૃત્યુ ન નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ બધાની વચ્ચે ફરજનિષ્ઠા અને સમર્પિત ભાવથી કામ કર્યાની એક અનોખી ઘટનાઓ સામે આવી છે. જેમાં PGVCL ના જોઇન્ટ MD પ્રીતિ શર્માની ફરજનિષ્ઠા અને સેવાભાવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ગર્ભવતી હતા પ્રીતિ શર્મા : વાવાઝોડાની અસાધારણ સ્થિતિમાં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે વાવાઝોડા બાદ હજારો વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા હતા.. કચ્છના ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરવો એક મોટો પડકાર હતો. ત્યારે આવી વિકટ સ્થિતિમાં પોતે ગર્ભવતી હોવા છતાં, પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના પ્રીતિ શર્માએ અસાધારણ સાહસ દાખવ્યું હતું. પ્રીતિ શર્માએ વાવાઝોડા પહેલા અને પછીની સ્થિતિમાં રાત દિવસ કામ કરી ફરજનિષ્ઠાનું બેમિસાલ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉપરી અધિકારીઓ તથા રાજ્ય સરકારના પ્રધાનોને આ બાબત ધ્યાનમાં આવી હતી. તેઓએ વિશ્રામ લેવા વારંવાર જણાવ્યું હોવા છતાં પ્રીતિ શર્માએ પોતાની ફરજને પ્રાધાન્ય આપી કર્મશીલતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.