જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગૌશાળા-પાંજરાપોળ, ઢોરવાડા કે ઘાસડેપોની અત્યાર સુધીમાં 7,234 તપાસણી પૂર્ણ કરાઇ હોવાનું અછતશાખાએ જણાવ્યું છે. તો વધુમાં જણાવ્યું હતું કે, તપાસણી સમયે ધ્યાને આવેલી ક્ષતિઓ સામે સંબંધિત સંસ્થાઓને નોટીસ પાઠવવા તેમજ રૂબરૂ સુનાવણી કરી મેરિટના આધારે દરેક કાર્યવાહી કરવામાં આવે છે. તો અત્યાર સુધી બે ઢોરવાડાની મંજૂરી રદ્દ કરવા સાથે 9 ઢોરવાડાની સબસીડી કાપવામાં આવી છે, અને હજુ પણ દરેક ગૌશાળા-પાંજરાપોળ કે ઢોરવાડાની તપાસણી દરમિયાન ક્ષતિઓ જણાશે તો તેની સામે ચોક્કસપણે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કચ્છમાં અછતની પરિસ્થિતિના પગલે નિરંતર ફિલ્ડ તપાસ, જરૂરિયાત મુજબ ઘાસકાર્ડ પણ અપાયા - KUTCH
ભુજઃ કચ્છમાં અછતની પરિસ્થિતિ તેના મહત્વનાં અંતિમ પડાવમાં પહોંચી છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઇપણ ગેરરીતિ ન થાય તે માટે રાજય ઉપરાંત જિલ્લાકક્ષાની બે ફલાઇંગ સ્કવોડ તેમજ જિલ્લા કલેકટર સહિત અછતના નાયબ કલેકટર, મામલતદારની સાથે પ્રાંત અને તાલુકાકક્ષાની ટીમ દ્વારા નિરંતર ફિલ્ડ તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે.

દરેક ગૌશાળા-પાંજરાપોળ અને ઢોરવાડાની દરેક માસે લઘુતમ બે વખત આકસ્મિક તપાસ કરવામાં આવે છે, અને તપાસણી સમયે નાનાં-મોટાં પશુઓની સંખ્યા સુનિશ્ચિત કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાંત કક્ષાએ તથા મામલતદાર કક્ષાએ ફોર્મ નં. 46,47 અને 48ની ચકાસણી કરવામાં આવે છે, અને પશુઓની વિગતો (નાનાં-મોટાં) પશુઓની ખરાઇ થયા બાદ જ સબસીડીના ચૂકવણાં કરવામાં આવતાં હોવાનું અછતશાખા દ્વારા જણાવાયું હતું. કચ્છમાં અત્યાર સુધીમાં 126 ગૌશાળા, 31 પાંજરાપોળો અને 503 ઢોરવાડામાં કુલ 4,06,575 પશુઓનો નિભાવ થઈ રહ્યો છે અને કુલ રૂપિયા.1,64,97,78,804ની સબસીડી ચૂકવવામાં આવી હોવાનું પણ પઠાણે જણાવ્યું હતું.
રાજય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત કચ્છને ગત 19મી જૂન, 2019ના વધુ 25 લાખ કીલો ઘાસના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે, તે સાથે અત્યાર સુધીમાં કુલ 9.22 કરોડ કીલો ઘાસના જથ્થાની ફાળવણી કરાઇ છે અને 8.40 કરોડ કીલો ઘાસના જથ્થાના જરૂરિયાતવાળા ઘાસકાર્ડ ધારકોને વિતરણ પણ કરી દેવાયું છે, તેમ અછત શાખા દ્વારા જણાવ્યું હતું.