કચ્છ: ભુજ નગરપાલિકા કચેરીમાં થોડા દિવસ પહેલા વોર્ડ નંબર 1 અને 2ની સમસ્યા માટે પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે શાસકોએ ધરણાં પર બેઠેલા કોંગ્રેસી નગરસેવકો અને સ્થાનિકોને એક સપ્તાહમાં સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપી હતી. આ મુદ્દે ETV BHARATની ટીમે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. જોકે, સમસ્યાઓના ઉકેલ સામે ફરિયાદો વધુ પ્રમાણમાં જોવા મળી હતી.
ભુજના વોર્ડ નંબર 1 અને 2 સામે પાલિકાના વર્તનથી લોકો નારાજ, ફરિયાદોનો ઢગલો અને કામગીરી શૂન્ય - કોરોના મહામારી
કચ્છના પાટનગર ભુજ શહેરના વોર્ડ નંબર 1 અને 2ના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં વિવિધ સમસ્યાઓ સાથે વરસાદ બાદ પાણી ભરાઇ જવાથી બીમારીઓ ફેલાઇ રહી છે. કોરોના મહામારીના ડર વચ્ચે આ વિસ્તારના રહેવાસીઓની નગરપાલિકાને માંગ છે કે, પક્ષા પક્ષી ભૂલીને શહેરના શાસકની જેમ રહીને આ વિસ્તારની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં આ વિસ્તારમાં રહેતા લોકોનું જીવન વધુ દુષ્કર બની જશે.

વોર્ડ નંબર 1ના ધારાનગરના રહેવાસી ગુલાબ મામદ ખત્રીએ કહ્યું હતું કે, નગરપાલિકાના રેકોર્ડ તપાસ થાય કે, આ વિસ્તારમાં છેલ્લા એક માસમાં કેટલી ફરિયાદ આવી છે અને તેમાંથી કેટલીક નિકાલ થઈ છે, તો પાલિકામાં આ વિસ્તાર માટેની પક્ષાપક્ષી સ્પષ્ટ થઇ જશે. ચૂંટણી પછી નગરસેવકો અને શાસકોએ પક્ષાપક્ષી ભૂલીને શહેરના તમામ નાગરિકોને એક સમાન રીતે જોવા જોઈએ પણ આ વિસ્તારમાં પાલિકાની દુર્લક્ષ નીતિ અપનાવાઈ રહી છે.
તમામ પ્રકારની સમસ્યાઓ વચ્ચે વરસાદ, ગટરની સમસ્યા એ હદે વિકરાળ બની છે કે, લોકોનું રહેવાનું દુષ્કર બની ગયું છે. નગરપાલિકામાં પ્રતિક ધરણાં બાદ પાણી ઉલેચવા માટે એક ટેન્કર મોકલીને સંતોષ માણી લેનાર લોકોએ વિચારવું જોઈએ કે, આ વિસ્તાર પણ શહેરની હદમાં છે અને લોકો તેમના જ નગરજનો છે.
આ વિસ્તારના નગરસેવક હાસમ સમાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લાંબા સમયથી ગટર સમસ્યા છે. આ વખતે સારા વરસાદને પગલે સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે. લોકો ના છૂટકે જેમ તેમ કરીને સમસ્યા વચ્ચે જીવી રહ્યા છે. આ વિસ્તારમાં એક સપ્તાહ પછી પણ હજુ વરસાદી પાણી ભરાયેલા છે. પાલિકામાં ફરિયાદો છતાં કોઇ જ કામ થયું નથી. જેમાં રહીશોના પ્રતિક ધરણાં બાદ આઠ દિવસમાં સમસ્યા ઉકેલવા પાણી ઉલેચવા સહિતના વાયદાઓ કરાયા હતા. પરંતુ ચાર દિવસ પસાર થવા આવ્યા હજુ કોઈ સમસ્યા માટે કામગીરી શરૂ કરવામાં આવી નથી.