ભુજ : શહેરમાં આઠમી તારીખે પહોંચેલી મુંબઈમાં અભ્યાસ કરતી ડૉક્ટર યુવતિ ગઈકાલે સાંજે કચ્છના સ્થાનિક તંત્રને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી. આ સાથે જ આ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પ્રાથમિક માહિતીમાં યુવતિ ડૉક્ટર છે અને તેથી હોમ કવોરંટાઇન હોવાથી ચિંતાજનક વાતાવરણ ન હોવાનું જણાવાઇ રહ્યું હતું, પરંતુ પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, આ યુવતિ મુંબઇમાં 3 તારીખે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને ચાર તારીખે તેને કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે જવાનું હતું તેની જગ્યા એ તે ગાંધીનગર કલેકટરના ઓબ્જેક્શન સર્ટિફિકેટના આધાર પર ભુજથી ગયેલી કારમાં પોતાના ડૉક્ટર યુવાન સાથે ભુજ પહોંચી આવી હતી.
મહારાષ્ટ્ર સરકારની વધુ એક બેદરકારી, પોઝિટિવ મહિલા ડૉક્ટર નાસી છૂટી ભુજ સુધી પહોંચી
મુંબઈના કોરોના ગ્રસ્ત કન્ટેન્ટઝોનમાંથી એક ક્રૂ સભ્ય કચ્છ સુધી આવી પહોંચ્યા બાદ કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. આ મુદે કચ્છના આરોગ્યતંત્રએ મહારાષ્ટ્ર સરકારને નારાજગી સાથે વિરોધ પત્ર લખ્યો હતો. આ વચ્ચે વધુ એક વખત મહારાષ્ટ્ર સરકારની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે એમબીબીએસમાં અભ્યાસ કરતી અને કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સેવા કરનાર ભુજની યુવા ડૉક્ટર યુવતિ કોરોના પોઝિટિવ થયા બાદ ભુજ સુધી પહોંચી આવી હતી. ભુજ પોલીસે આ ગંભીર બેદરકારી અને ગુનાહિત કૃત્ય માટે આ ડૉક્ટર યુવતિ સામે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત રાજ્યના ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને મહારાષ્ટ્ર સરકાર સાથે સંકલન અને ચર્ચા કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
આ યુવતી પાસે મહારાષ્ટ્ર સરકારના કોઈ પાસ પરમિશન ન હોવાનું બહાર આવ્યું હતું. ભુજ પોલીસે આ ગંભીર બેદરકાર યુવતિ સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત આ યુવતિએ પાંચ તારીખે ભુજ પહોંચ્યા બાદ કચ્છના તંત્રને જાણ કરી નહોતી. પોતે ડોક્ટર હોવાથી કોરોના વાઇરસ અંગેની જાણકારી હોવા છતાં પોતે અન્ય લોકોના સંપર્કમાં આવે તેવું કૃત્ય કર્યું હતું. જેના પગલે ભુજ બી ડિવિઝન પોલીસે યુવતી વિરુદ્ધ ipc ૧૮૮, ૨૬૯, ૨૭૦ ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005ની કલમ 51b ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૯ એ બી સી ની કલમ 3 હેઠળ ગુનો નોંધ્યો છે.
આ તકે ભુજ SP સોંરભ તોલંબિયાએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ યુવતિની ગંભીર બેદરકારીને ધ્યાને લઇ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત આ બાબતે જરૂરી માહિતી અને વિગતો અંગે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. યુવતિ સારવાર હેઠળ હોવાથી વધુ વિગતો મળી શકી નથી, પરંતુ આ બાબતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ચોક્કસથી સવિસ્તાર ચર્ચા કરાશે.