રાજસ્થાનમાં સર્જાયેલાં સાયક્લોનિક એર સરક્યુલેશનના કારણે ગત રાત્રીથી કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. માંડવી અને અબડાસાની દરિયાઈ પટ્ટીથી શરુ થયેલું માવઠું વાગડ સુધી પહોંચ્યું હતું. જેના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. આજે સવારે માંડવી સહિતના આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા હતાં. માંડવીના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. સાથે જ ખાવડા અને આસપાસના ગામોમાં પણ જોરદાર વરસાદી ઝાપટા વરસ્યાં હતાં.
કચ્છમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જેના પગલે લઘુત્તમ તાપમાનનો પારો 17થી 18 ડીગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યો હતો. આ વર્ષે વરસાદ ખેડુતો માટે આફત બનીને આવ્યો છે. કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ભારે નુકશાન થયાના સમાચાર મળી રહયા છે. રતળિયાના સરપંચે જણાવ્યું હતું કે, અહીં 1થી દોઢ ઈંચ જેટલા પડેલા વરસાદ અને કરા પડવાને કારણે 145 મકાનોના નળીયા તૂટી ગયા હતા.