ભુજઃ ચિત્રો માનસ પર વધુ અને લાંબી છાપ છોડી જાય છે. આંખ અને મગજને ચિત્ર જલ્દી યાદ રહી જાય છે અને જો તે સતત બે મિનિટ આસપાસ કે સતત નજરે પડે તો એની સીધી અસર વ્યકિતના અજ્ઞાતમન મન પર પડે છે. વિશ્વમાં કે સમાજમાં સંદેશો આપવા કે બદલાવ લાવવા ચિત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. આ મનોવિજ્ઞાનનો નવતર પ્રયોગ નોવેલ કોરોનાની મહામારીની સમજણ આપવા કચ્છના ભુજમાં કરવામાં આવ્યો છે.
ભૂજના માર્ગો પર નાયબ કલકટરે લોકોને સંદેશો આપવા ચિતરાવ્યા વિવિધ ચિત્રો ભુજના યુવા પ્રાંત અધિકારી મનીષભાઇ ગુરવાણીના આ નવતર અભિગમથી તેઓ જનતાને કોરોના અંગે સાવચેતીનો સંદેશો પહોંચાડી રહ્યા છે. કલા સાથે મેસેજને અમલમાં મૂકી તેમણે કોરોના સંક્રમણને અટકાવવા કેવા સાવચેતીના પગલાં લેવાય તે ભૂજના પ્રસિધ્ધ વિસ્તારોમાં કલાકાર અસોસોએશનની મદદથી ચિત્ર દોરાવી બતાવ્યું છે. ‘‘બે વ્યકિત વચ્ચે પાંચ ફુટનું અંતર રાખો’’, ‘‘માસ્ક પહેરો અને ‘‘ઘરે રહો સલામત રહો’’ જેવા કચ્છ આર્ટીસ્ટ એસોશિએશન સ્વૈચ્છિક રીતે ભુજના ધમધમતા રોડ જેમ કે, જયુબીલી સર્કલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, વાણિયાવાડ શાકમાર્કેટ રોડ અને હમીરસર તળાવ, જિલ્લા કલેકટર કચેરીના બહારના રોડ પર આ લખેલા ચિત્રો સમાજના લોકોની જાગૃતિ માટે દોર્યા છે. નાયબ કલેકટર મનીષ ગુરૂવાણીના માર્ગદર્શન હેઠળ કલાકારોએ આ રીતે કોરોના વાઈરસ સંક્રમણને રોકવા પોતાનું યોગદાન આપી પોતાનું સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યુ છે. ઘરે રહો સુરક્ષિત રહો અને સામાજિક અંતર જાળવી સુરક્ષિત રહો તેવો અનુરોધ તંત્ર અને કલાકારો દ્વારા અપાયો હતો.