એક ટ્વિટ અને વૃદ્ધ મહિલાની દવા જામનગરથી કચ્છ સુધી પહોંચી, જાણો સંવેદનશીલ કામગીરી વિશે - કચ્છ સુધી વૃદ્ધ મહિલાની દવા જામનગરથી પહોંચી
વિશ્વને આંગળીના ટેરવે રમતું કરનારી સોશિયલ મીડિયા સહાય કરાવવામાં પણ અદભૂત છે. હાલ વિશ્વને ડરના સંકજામાં લેનારા કોવીડ-19 મહામારી વચ્ચે ટેકનોલોજી મદદ અને કામગીરી માટે સર્વશ્રેષ્ઠ ઉપાય થઇને ઉભરી રહી છે. અંતિમ છેવાડાનો માનવી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને પ્રવર્તમાન સમયમાં જયારે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે પણ સરકાર આ બાબતે પોતાને સુપેરે સાબિત કરી રહી છે. એવું કચ્છના અબડાસા તાલુકાના છેવાડાના ગામ નાનીબેરમાં બન્યું હતું.
![એક ટ્વિટ અને વૃદ્ધ મહિલાની દવા જામનગરથી કચ્છ સુધી પહોંચી, જાણો સંવેદનશીલ કામગીરી વિશે એક ટ્વિટ બાદ કચ્છ સુધી વૃદ્ધ મહિલાની દવા જામનગરથી પહોંચી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6818636-902-6818636-1587046770900.jpg)
કચ્છ: અબડાસાના પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટ પર કચ્છના આદિપુરથી દિપકભાઇ ભાનુશાળીએ મેસેજ કર્યો કે તાલુકાના છેવાડાના ગામ નાની બેરમાં તેમના દાદી રહે છે. તેમની બ્લડપ્રેશર અને મગજની દવા જામનગરથી લાવવી પડે છે અને હાલના લોકડાઉનમાં તેઓ દવા પહોંચાડવામાં અસમર્થ છે. જામનગરમાં તેમના સબંધીને ત્યાં દાદીની દવા આવી ગયી છે તેને દાદી સુધી પહોંચાડવાની છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે જામનગરથી નાની બેર સુધી દવા પહોંચાડી શકાય એમ નથી.
આ મેસેજ વાંચીને પ્રાંત અધિકારીએ ત્વરીત પગલા લઇ દવા જે તે સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરી બીજા જ દિવસે ડી.એ.ઝાલાએ તેમની ટીમ દ્વારા નાની બેર રહેતા મયાબેન ગોપાલભાઇ ભાનુશાળીને આ દવાઓ રૂબરૂ પહોંચાડી આવ્યા હતા. આમ વહીવટી તંત્રના માનવતાવાદી અને સકારાત્મક અભિગમના કારણે છેક જામનગરથી 400 કિ.મી. દુર અબડાસાના છેવાડાના ગામ નાની બેરમાં બીજા દિવસે જ દવા પહોંચી ગઇ હતી.