ગુજરાત

gujarat

ETV Bharat / state

નાર્કોટિક્સના કુખ્યાત આરોપી શાહીદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર - Shahid Sumra

કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઇન કેસમાં ગઈ કાલે ગુરુવારે ગુજરાત ATSને મોટી સફળતા મળી હતી. આ કેસનો મુખ્ય આરોપી શાહીદ હુસૈન સુમરાને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો. આ શાહીદ હુસૈન દુબઇથી દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ દબોચી લેવામાં આવ્યો હતો. આજે શાહીદ હુસૈનને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં NDPS કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

નાર્કોટિક્સના કુખ્યાત આરોપી શાહીદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર
નાર્કોટિક્સના કુખ્યાત આરોપી શાહીદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર

By

Published : Jul 30, 2021, 7:53 PM IST

  • ATS દ્વારા પકડવામાં આવેલા NDPSના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો
  • ગુજરાત ATS દ્વારા કુલ 14 દિવસના માંગવામાં આવ્યા હતા રિમાન્ડ
  • ભુજની સ્પેશિયલ NDPS કોર્ટ દ્વારા માત્ર 8 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર

કચ્છ : ગત જાન્યુઆરી મહિનામાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે મધદરિયે ઓપરેશન પાર પાડીને અંદાજે 175 કરોડનું હેરોઇન ઝડપી પાડ્યું હતું. આ કિસ્સામાં પહેલા 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જ્યારે આ કેસનો મુખ્ય આરોપી શાહિદ હુસૈન દુબઈથી દિલ્હી આવવાનો હોવાની બાતમી મળતા ગુજરાત ATSએ મૂળ કચ્છના શાહિદ હુસૈનને દિલ્હી એરપોર્ટ પરથી દબોચી લીધો હતો. જ્યારબાદ તેને સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

નાર્કોટિક્સના કુખ્યાત આરોપી શાહીદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર

એક-એક કિલોગ્રામના કુલ 35 પેકેટ કબજે કરવામાં આવ્યા હતા

જાન્યુઆરી મહિનામાં મધરાત્રે એક વાગ્યાના અરસામાં જખૌથી આશરે 440 કિમીના અંતરે ડ્રગ્સ ભરેલી પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાં ઘૂસતા જ ત્રણેય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના કેરિયરોને ખબર ન પડે તેવી રીતે સંયુક્ત ઓપરેશન પાર પાડીને બોટને ઘેરી લીધી હતી. બોટનો કબજો મેળવીને તેને જખૌ કોસ્ટગાર્ડ મથકે લાવવામાં આવી હતી. આ બોટમાંથી પાંચ પાકિસ્તાની શખ્સો સહિત હેરોઇનના એક-એક કિલોગ્રામના કુલ 35 પેકેટ મળી આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 175 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.

ભારતમાં હેરોઇન આવ્યા બાદ શાહીદ પંજાબ સુધી પહોંચાડવાનો હતો

આ ગુનામાં પકડાયેલા આરોપીઓમાં મુર્તઝા યામીન જાત, યામીન ઉંમર જાત, મુસ્તફા યામીન, નસરૂલ્લા યામીન સિંધી, હુસૈન ઇબ્રાહીમ, સાલેમામદ અબ્દુલ્લા સિંધી, મહંમદ યાસીન, રફીકઆમદ ઉસ્માનઅલીનો સમાવેશ થાય છે. આ તમામ પાકિસ્તાની નાગરિકો પોતાની 'નૂહ શફીના' નામની બોટમાં ગેરકાયદેસર રીતે રૂપિયા 150 કરોડની કિંમતનું 30 કિલો હેરોઇન લાવીને જખૌના દરિયામાં હાજી નામક વ્યક્તિને પહોંચતું કરવાની ફિરાકમાં હતા. આ જથ્થો ભારતમાં આવ્યા બાદ શાહીદ કાસમ સુમરા અને તેના માણસો દ્વારા પંજાબમાં માનજીતસીંગ બુટાસીંગ, રેશમસીંગ કરસનસીંગ, પુનિત ભીમસેન કજાલા સહિતના લોકોને પહોંચતો કરવાનો હતો. જોકે, આ હકીકતમાં પરિણમે તે પહેલા જ બોટ મધદરિયે પકડાઈ ગઈ હતી.

રિમાન્ડ માટેના કારણો પૈકીના કેટલાક કારણો..

  • હેરોઇનનો આટલો મોટો જથ્થો ક્યાંથી અને કોણી પાસેથી ખરીદ્યો હતો ?
  • દરિયામાં જે હાજીને આ હેરોઇનની ડિલિવરી કરવાની હતી તેનું નામ અને સરનામું ?
  • હેરોઇનની હેરાફેરીમાં તેની સાથે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ ?
  • અગાઉ પાકિસ્તાનથી હેરોઇન લાવીને ભારતમાં કેટલા લોકોને વેચી ?
  • કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ તેમજ આતંકવાદી સંગઠનો સાથે સંબંધ છે કે કેમ ?

ગોળ ગોળ જવાબ આપીને કસ્ટડીનો સમય પૂર્ણ કરી રહ્યો હતો

આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ બાબતે તેને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપતો ન હતો. આ ઉપરાંત રીઢા ગુનેગારની યાદીમાં આવતો હોવાથી ગોળ ગોળ જવાબ આપીને માત્ર કસ્ટડીનો સમય પૂરો કરવાનો પ્રયત્ન કરતો હતો. જેથી આરોપીની વધુ સમય માટે પોલીસ કસ્ટડી મળે તો વધુ ઘણી બાબતો બહાર આવે તેવી શક્યતા છે. જેના કારણ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ NDPS કોર્ટમાં કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાંથી કોર્ટે માત્ર 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

7 ઓગષ્ટે સાંજે 5 કલાકે આરોપીને પુનઃ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

તમામ બાબતોની ઝીણવટભરી તપાસ માટે આરોપી શાહિદ કાસમ સુમરાના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે ભુજની સ્પેશિયલ NDPS કોર્ટના જજ સી.એમ.પવારે 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી 7મી ઓગસ્ટે આરોપીને સાંજ 5 કલાકે પુનઃ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારબાદ વધુ સુનવણી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details