કચ્છ : આદિપુર ખાતે આવેલી ડેપ્યુટી કલેકટર ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા તમામ જિલ્લામાં ઔધોગિક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી વેસ્ટ ડિસ્પોઝલ નિયમિત રીતે કરવામાં આવે. તેમજ પરિસરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકવા સહિત દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે, આ વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો નિયમિત છંટકાવ કરવામાં આવે. જે ઔધોગિક કે ખાનગી એકમો શાળા, દવાખાના જેવા સામુહિક સ્થળોનું સંચાલન કરે છે. તેમણે સ્વચ્છતા જળવાય તેવી કાર્યવાહી કરી તેના ફોટોગ્રાફસ વિગતવાર અહેવાલ સાથે વહીવટી તંત્રની જાણ સાથે જિલ્લા આરોગ્ય તંત્રને મોકલવા આદેશ અપાયા છે.
કચ્છમાં આવેલા તમામ ઉઘોગો કારખાનાઓમાં કોરોના સંદર્ભે સાવચેતીની સુચના - સ્વચ્છતા અભિયાન
કચ્છ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કચ્છ જિલ્લામાં ખાનગી ઔધોગિક એકમોને કોરોના વાયરસના ફેલાવા સબંધિત અટકાયતી પગલાં લેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

આ ઉપરાંત કામદારોને કોરોના સબંધિત સાચી સમજણ આપવા માર્ગદર્શક કાર્યક્રમ ગોઠવવા. જો કોઇ વ્યકિત છેલ્લા 14 દિવસમાં કોવીડ-19 અસરગ્રસ્ત વિસ્તાર કે દેશમાંથી પ્રવાસ કરેલ હોય તો નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. તેમજ પ્રવાસ કાર્યની તા.14 દિવસ સુધી અન્ય તમામ વ્યકિતના સંપર્ક રાખ્યા વિના અલાયદા રાખવા (સેલ્ફ કવોરેન્ટાઇન) તે કાળજી રાખવી તેમજ તરત જિલ્લા આરોગ્ય તંત્રના સંપર્કમાં રહેવા સુચના અપાઈ છે.
આ અંગે ઔધોગિક એકમોએ અલાયદો અટકાયતી પ્લાન તૈયાર કરી તેની નકલની જાણ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રને કરવી. જે એકમોનાં વધારે લોકો એકી સાથે કામગીરી કરતાં હોય ત્યાં કામગીરી બંધ કરાવી અને વધારે લોકો ભેગા ન થાય તેવું આયોજન કરવું. દરેક ઔધોગિક એકમો અને ખાનગી એકમો જયાં મોટી સંખ્યામાં કામદારો, લોકો ભેગા થતાં હોય ત્યાં ટેમ્પરેચર દ્વારા સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવા આદેશ કરાયા છે. કોરોના વાયરસના શંકાસ્પદ કે સંક્રમિત વ્યકિતને રજા પર ઉતારી તેમજ વયસ્ક કામદારની ખાસ સંભાળ રાખવી. કંપનીઓ દ્વારા પોતાના ક્ષેત્રોનાં અલાયદા વોર્ડ તૈયાર કરવાની પણ વ્યવસ્થા કરવા જણાવાયું છે.