કચ્છમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ છે. એવામાં સોમવારે સવારે માવઠાને લીધે કડકડતી ઠંડીમાં વધારો થયો છે. તેમજ માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને રવિ પાકને નુકસાનીને પગલે આ આખું વર્ષ ખેડૂતો માટે ચિંતાજનક રહ્યું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. આજે માવઠાને પગલે નારાજ થયેલા ખેડૂતોએ પાકને બચાવવા વિવિધ તરકીબો અજમાવવાની શરૂઆત કરી દીધી છે.
કચ્છમાં કડકડતી ઠંડીમાં માવઠું, ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું
કચ્છઃ કચ્છમાં સોમવારે વહેલી સવારે માવઠું થયું હતું. રાપર, ભુજ, અંજાર, ભચાઉ સહિતના વિસ્તારોમાં માવઠું થતાં ઠંડીમાં પણ વધારો થયો છે. તેમજ માવઠાને લીધે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
ખાસ કરીને રવિ પાકને નુકસાનીને પગલે ખેડૂતોમાં વધારે ચિંતા જોવા મળી રહી છે. કચ્છના મોટા ભાગના વિસ્તારમાં માવઠું થયું હતું. તો અનેક વિસ્તારમાં સખત પવન સાથે વરસાદ પડ્યો હતો. માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. અગાઉ પણ વરસાદ અને માવઠાથી ખેડૂતોને નુકસાન થયું હતું. તો હવે વરસાદ રૂપે આજે માવઠુ થતા નુકસાની વેઠવી પડે તેમ છે. સખત પવનના લીધે ઠંડીએ જોર પકડ્યું છે. વાગડ વિસ્તાર કચ્છમાં લાખો હેક્ટરમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે પડેલા માવઠાથી ખેડૂતોને ફરી નુકસાન થવાની શક્યતા છે.