કચ્છ :વર્ષ 2021 માં કચ્છના જખૌ પાસેથી 150 કરોડનું હેરોઈન ઝડપાયું હતું. જેમાં મુંબઈના નિરંજન શાહને ડ્રગ્સ મંગાવનાર તરીકે એટીએસે અટક કરી હતી. ત્યારે આજે આરોપીને રિમાન્ડ અર્થે નલિયા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં નલિયા કોર્ટે આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
2021 હેરોઈન કેસ : મુંબઈના નિરંજન શાહ છેલ્લા બે વર્ષથી નકલી પાસપોર્ટ બનાવવાના કેસમાં પટનાની બેઉર જેલમાં સજા ભોગવી રહ્યા છે. નિરંજન શાહ એક સમયે હર્ષદ મહેતાના શેઠ પણ રહી ચૂકેલા છે. વર્ષ 2021 માં જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પકડાયેલા રૂ. 150 કરોડના હેરોઈનના કેસમાં ડ્રગ્સ મંગાવનાર તરીકે એટીએસ દ્વારા નિરંજન શાહની અટકાયત કરવામાં આવી હતી.
આરોપીને કોર્ટમાં હાજર કર્યો : નિરંજન શાહ મુંબઈના જુહુ વિસ્તારમાં રહતો હતો. છેલ્લા 26 મહિનાથી તે બોગસ પાસપોર્ટ માટે પટનાની જેલમાં સજા ભોગવી રહ્યો છે. ત્યારે ATS દ્વારા નિરંજન શાહનો પટનાની બેઉર સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી આજે તેને નલિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નલિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ગુનાહિત ઈતિહાસ : ઉલ્લેખનીય છે કે, નિરંજન શાહ સામે બોગસ પાસપોર્ટ અને ડ્રગ્સ હેરાફેરી કરવા સહિતના સંખ્યાબંધ કેસ વિવિધ રાજ્ય અને એજન્સીઓમાં નોંધાયેલા છે. તો નિરંજન શાહની યુએસએ અને ટોરેન્ટોમાં પણ ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. વર્ષ 2021માં કચ્છના જખૌ નજીકથી પકડાયેલા 150 કરોડના ડ્રગ્સ કેસમાં ATS દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર : 12 દિવસના રિમાન્ડ દરમિયાન એટીએસ દ્વારા નિરંજન શાહની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ અગાઉ 194 કરોડના ડ્રગ્સ કેસમાં જેની સંડોવણી હતી તેવા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશનોઈને પણ નલિયાની કોર્ટમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 4 વખત રજૂ કરવામાં આવ્યો હતો. આજે 150 કરોડના કેસમાં રજૂ કરવામાં આવેલ નિરંજન શાહની સુરક્ષા માટે કોઈ પણ બંદોબસ્ત ગોઠવવાની જરૂર પડી ન હતી.
- કચ્છનાં દરિયામાંથી 150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાની ઝડપાયા
- Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓના 11 દિવસના રીમાન્ડ મંજૂર