- જીલ્લામાં પ્રથમ ડોઝ 14 લાખ અને બીજો ડોઝ 6 લાખ લોકોને અપાયો
- 26 થી 30 તારીખ સુધી ડ્રાઇવ માટે 1 લાખ ડોઝ ઉપલબ્ધ કરાયા
- મતદારયાદી પ્રમાણે પ્રથમ ડોઝની 92 ટકા કામગીરી પૂર્ણ
કચ્છ : કચ્છ જીલ્લામાં પ્રથમ ડોઝનાં 14 લાખ થી વધુ અને બીજા ડોઝનાં 6 લાખ થી વધુ લોકોને વેકસીન અપાઇ ચૂકી છે. પ્રથમ ડોઝ લેનારા માંથી બે લાખ જેટલા લોકો હજી પણ બીજા ડોઝથી વંચીત છે તે લાભાર્થીઓને આવરી લેવા માટે દિવાળી પૂર્વે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે ભુજ, અંજાર અને ગાંધીધામમાં ડ્રાઇવ ઇન સેશનની સાથે કોલેજો, મુખ્ય બજાર, મોલ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
કચ્છ જિલ્લામાટે 1 લાખ ડોઝ ઉપલબ્ધ કરાયા
આજે 26 તારીખ થી 30 તારીખ સુધીની પાંચ દિવસીય આ ડ્રાઇવ માટે કચ્છ જિલ્લા માટે 1 લાખ ડોઝ ઉપલબ્ધ કરાયા છે. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ લોકોને પોતાની રોજબરોજની ચહલપહલ દરમિયાન તેજ સ્થળે વેક્સીન મળી રહે અને લાભાર્થીઓના સમયનો બચાવ થાય તે માટેનો છે.
વેક્સીન લેવાં જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી
જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે, આ પાંચ દિવસનો પાયલોટ પ્રોજેકટ છે પછી દિવાળીની રજાઓ છે. આ પ્રોજેકટને સારો પ્રતિસાદ મળશે તો દિવાળી બાદ ફરી આવું આયોજન વિવિધ સ્થળોએ ગોઠવવામાં આવશે. છેલ્લા બે મહિનામાં જેટલા પણ કેસો આવ્યા છે તેમાં 1 પણ દર્દી ગંભીર ન હતો. રસી લેવાથી કોરોના બીમારીનું સંકટ ઘટી જાય છે જેથી મહત્તમ લોકોને આ આયોજનનો લાભ લેવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે.