કચ્છ : પશુપાલન એ ભારતમાં ખેતી સમાન મહત્વ ધરાવતું વ્યવસાય છે અને દરેક વ્યવસાયની જેમ પશુપાલનને ટકાવવા તેમાં યુવા પશુપાલકોનું ભાગ લેવું અત્યંત જરૂરી છે, ત્યારે યુવા માલધારીઓને સંગઠિત કરી વધુને વધુ યુવાનો આ વ્યવસાયમાં જોડાય તે હેતુથી દેશમાં પેહેલી વખત યુવા માલધારીઓનું એક સંગઠન બન્યું છે. કચ્છ ખાતે યોજાયેલ પાંચ દિવસીય રાષ્ટ્રીય યુવા માલધારી સંગઠનમાં દેશભરમાંથી પધારેલા યુવા માલધારીઓએ એક સંગઠન બનાવ્યું હતું. જેની નોંધ કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલાએ પણ લીધી હતી.
17 રાજ્યોના 30 પશુપાલક સમુદાયોએ ભાગ લીધોઅજરખપુર સ્થિત લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ખાતે વાર્ષિક વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસના લિવિંગ લાઇટલી પ્રદર્શનમાં આ વર્ષની થીમ ભારતના માલધારી સમુદાયો રાખવામાં આવી હતી અને તે માટે જ દેશભરના માલધારી સમુદાયના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારતના 17 રાજ્યોના 30 પશુપાલક સમુદાયોએ ભાગ લીધો હતો. યુવા માલધારીઓને આ સંમેલનમાં જોડવા 40 વર્ષથી નીચેની વયના માલધારીઓને પણ ખાસ આમંત્રિત કરાયા હતા.
દેશનો પ્રથમ યુવા માલધારીઓનો રાષ્ટ્રીય એસોસિયેશનયુવા માલધારીઓએ આ સંમેલન ખાતે દેશનો પ્રથમ યુવા માલધારીઓનો રાષ્ટ્રીય એસોસિયેશન બનાવ્યું હતું અને કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલાની હાજરીમાં આ એસોસિયેશનના ગઠનની જાહેરાત કરવામાં આવી હતી. આ એસોસિયેશન થકી માલધારી જીવનશૈલી, સંસ્કૃતિ અને વ્યવસાયના ભવિષ્યને ઉજવળ બનાવવા યુવાનોની ભૂમિકા તેમજ આકાંક્ષાઓ બાબતે કામગીરી કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાને બિરદાવ્યુંકેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ આ અભિગમને બિરદાવી આ સંગઠનને કેન્દ્રીય મંત્રાલયના સીધા સંપર્કમાં રહેવા સૂચના આપી હતી. જેથી ભવિષ્યમાં યુવા માલધારીઓની સમસ્યાઓ અને તેમની પરિસ્થિતિ બાબતે કેન્દ્રીય મંત્રાલય જરૂરી પગલાં ભરી શકે. તેમજ સરકારની જે યોજનાઓ છે તેના માટે આ હરતા ફરતા માલધારીઓને કંઈ રીતે લાભ આપી શકાય તે માટે કાર્ય કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.