કચ્છ: નરનારાયણ દેવના 200 વર્ષ પૂર્ણ થતાં કચ્છમાં પ્રથમ વખત ભુજની ભાગોળે 250 એકરમાં ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ માટે દેશ-વિદેશથી સેવા કરવા માટે હરિભક્તો છેલ્લાં 2-3 માસથી નોકરી-ધંધો છોડી ભુજ આવ્યા છે. 30 લાખથી વધારે હરિભક્તો જ્યારે આ મહોત્સવમાં ભાગ લેશે ત્યારે 15,000 થી વધારે સ્વયંસેવકો દેશ વિદેશથી આવીને અહીં સેવા આપી રહ્યા છે. વિશ્વના વિવિધ દેશો સાથે વ્યવસાય કરતા ભુજના બિઝનેસમેન રમેશભાઈ આજે મહોત્સવમાં ગૌ મહિમા દર્શન પ્રદર્શની ખાતે સેવા આપી રહ્યા છે.
આયાત-નિકાસનો ખૂબ મોટો વેપાર ધરાવતા હરિભક્ત જોડાયા સેવામાં:રમેશભાઈ આજે મોટાભાગના આફ્રિકન દેશો સાથે ગ્રેનાઈટ, મારબલ, સેન્ડસ્ટોન સહિત અનેક સામગ્રીનું આયાત નિકાસનો ખૂબ મોટો વેપાર ધરાવે છે. ઉપરાંત વિવિધ સામગ્રી અને મશીનોનું ઇમ્પોર્ટ અને એકસપોર્ટ કરી વર્ષે રૂ. 30 કરોડનો ટર્નઓવર કરે છે. મોટું બિઝનેસ ધરાવતા આજે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી પોતાનો વ્યવસાય છોડી પોતાનો સંપૂર્ણ વ્યવસાય પોતાના ભાઈને સોંપી પૂરો દિવસ નરનારાયણ દેવના આ ભવ્ય મહોત્સવની સેવામાં જોડાઈ ગયા છે.
2.5 એકરમાં ગૌ મહિમા પ્રદર્શની:2.5 એકરમાં ગૌ મહિમા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જેના દર્શનની સાથો સાથ લોકો જીવનમાં ગાયનું મહત્વ સમજાય એવા ભાવથી આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં દરેક પ્રદર્શની વિભાગની દીવાલો છે તે કંતાન, માટી અને ગાયના ગોબરથી લીંપણ કરવામાં આવેલી છે. છેલ્લા 1 માસથી હરિભક્ત મહિલાઓ ગામડાઓમાંથી જુદી જુદી ગૌશાળાઓમાંથી ગોબર એકત્રિત કરીને ગોબરનું લીંપણ કર્યું છે.
ગાયના સંવાદો, શૌર્યગાથાઓ, પ્રાચીન મહિમા:આ પ્રદર્શનમાં સજાવટના તમામ તોરણો સંપૂર્ણ પ્રાકૃતિક એટલે કે ગોબર અને એમાં જે રંગ વાપરવામાં આવ્યા છે એ પણ ગીરું અને ચૂનાના રંગો છે. સાથે જ આ પ્રદર્શનમાં ગાયના સંવાદો, શૌર્યગાથાઓ, પ્રાચીન મહિમાની સાથે ગૌ માતાની આજની સ્થિતિની વાતો હશે. ઉપરાંત આ પ્રદર્શનમાં જીવંત ગૌશાળા હશે, તો સાથે જીવંત ખેતી પણ હશે.ઉપરાંત ગાય આધારિત ખેતીના જીવન દર્શન થશે અને ગાય આધારિત કૃષિ કેમ થાય તેમજ તેનું મહત્વ અને લાભ અંગે તમામ પ્રકારના પ્રેક્ટીકલ મોડેલ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે.